ફિલ્મ શોલે ફેમ જેલર અને 300થી વધુ ફિલ્મોમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવનારા પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું સોમવાર, 20 ઓક્ટોબરે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 84 વર્ષના હતાં. અક્ષયકુમાર, ફિલ્મ નિર્માતા અનીસ બઝમી સહિતના ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકોએ અભિનેતાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા ગોવર્ધન અસરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને ખરેખર બહુમુખી કલાકાર તરીકે યાદ કર્યા હતાં.
ફિલ્મ ઉદ્યોગમાં અસરાની તરીકે જાણીતા આ અભિનેતા હિન્દી સિનેમામાં તેમના અદભુત કોમિક ટાઈમિંગ માટે જાણીતાં હતાં, પરંતુ ચાહકો તેમને “શોલે”માં સરમુખત્યાર જેલરની ભૂમિકા માટે હંમેશ યાદ કરશે. તેમનો ડાયલોગ “હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈં” ઘણો પ્રખ્યાત બન્યો હતો. ૧૯૭૫ની ફિલ્મમાં તેમની ભૂમિકા આટલા વર્ષો પછી પણ હાસ્ય જગાડે છે.
અસરાનીના મેનેજર બાબુભાઈ થીબાના જણાવ્યા અનુસાર અભિનેતાને ચાર દિવસ પહેલા મુંબઈની જુહુની ભારતીય આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. તેમની તબિયત થોડી ખરાબ હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને દાખલ કરાયા હતાં. આજે બપોરે 3:00 વાગ્યે તેમનું અવસાન થયું હતું. ડોક્ટરોએ અમને કહ્યું કે તેમના ફેફસામાં પાણી ભરાઈ થઈ ગયું હતું.
અસરાનીએ તેમની પાંચ દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીના દરેક યુગમાં કેટલાંક મોટા દિગ્દર્શકોની ફિલ્મોમાં થે અભિનય કર્યો હતો અને લગભગ દરેક ટોચના સ્ટાર સાથે કામ કર્યું હતું. તેમાં રાજેશ ખન્ના હોય, અમિતાભ બચ્ચન હોય, આમિર ખાન સહિતના સુપરસ્ટારનો સમાવેશ થાય છે. તેઓ સૌપ્રથમ “આજ કી તાઝા ખબર”માં તેમની ભૂમિકા માટે જાણીતા બન્યાં હતાં. તેમની બીજી યાદગાર ભૂમિકા “છોટી સી બાત”માં હતી.
અસરાનીએ તેમની હિન્દી સિનેમા કારકિર્દીની શરૂઆત 1967માં આવેલી ફિલ્મ “હરે કાચ કી ચુરિયાં”થી કરી હતી અને ત્યારબાદ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે ‘મેરે અપને’, ‘કોશિશ’ અને ‘પરિચય’ જેવી ગુલઝારની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અસરાનીની અન્ય લોકપ્રિય ભૂમિકાઓ “બાવર્ચી”, “અભિમાન”, “દો લડકે દોનો કડક” અને “બંદિશ” જેવી ફિલ્મોમાં હતી. “ચુપકે ચુપકે”, “રફૂ ચક્કર”, “બાલિકા બધુ”, “હીરાલાલ પન્નાલાલ”, “પતિ પત્ની ઔર વો” પણ એવી ફિલ્મો છે જ્યાં અસરાનીએ તેના કોમિક ટાઇમિંગથી ચાહકોને પ્રભાવિત કર્યા હતાં.
2000ના દાયકામાં, તેમણે “હેરા ફેરી”, “ચુપ ચૂપ કે”, “હલચલ”, “ભૂલ ભુલૈયા” અને “કમાલ ધમાલ માલામાલ” જેવી ફિલ્મોમાં કોમેડિયનનો રોલ ભજવ્યો હતો. “ચૈતાલી” અને “કોશિષ” જેવી કેટલીક ફિલ્મોમાં તેમણે પોતાની લોકપ્રિય છબીની વિરુદ્ધ જઈને નકારાત્મક ભૂમિકાઓ ભજવી હતી. તેમણે “ચલા મુરારી હીરો બનને” ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું.
