અમેરિકન બિલિયોનેર અને ટેકનોક્રેટ ઇલોન મસ્કની કંપની-સ્ટારલિંક ભારમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરશે. તે માટે કંપની ઝડપથી પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે. કંપનીએ દેશભરમાં નવ ગેટવે અર્થ સ્ટેશન સ્થાપવાની યોજના બનાવી છે, જેમાં મુંબઈ, નોઇડા, ચંડીગઢ, હૈદરાબાદ, કોલકાતા અને લખનૌ જેવાં મોટાં શહેરોનો સમાવેશ થાય છે. આ પગલું ભારતમાં ઝડપી અને વિશ્વસનીય ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો નવો યુગ શરૂ થવાનો સંકેત આપે છે.
કંપનીએ પોતાની Gen 1 સેટેલાઇટ કોન્સ્ટેલેશન દ્વારા 600 ગિગાબિટ પ્રતિ સેકન્ડ ક્ષમતા માટે અરજી કરી છે. ભારત સરકારે કંપનીને ડેમો માટે પ્રોવિઝનલ સ્પેક્ટ્રમ ફાળવ્યા છે, જેથી સુરક્ષા ધોરણોની તપાસ કરી શકાય. આ મંજૂરી હેઠળ સ્ટારલિંકને 100 યુઝર ટર્મિનલ ઇમ્પોર્ટ કરવાની અને માત્ર ફિક્સ્ડ સેટેલાઇટ સર્વિસના ડેમો કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટારલિંકને પરીક્ષણમાં સુરક્ષા સંબંધિત તમામ શરતોનું કડક પાલન કરવું પડશે, કારણ કે સેટેલાઇટ કમ્યુનિકેશનમાં જો કંઇ ખોટું થાય તો દેશની સુરક્ષા જોખમમાં આવી શકે છે. તેથી સ્ટારલિંકને સૂચના આપવામાં આવી છે કે, ગૃહ મંત્રાલય દ્વારા વિદેશી ટેક્નિકલ નિષ્ણાતોને મંજૂરી ન મળે ત્યાં સુધી ફક્ત ભારતીય નાગરિકો જ આ ગેટવે સ્ટેશનોનું સંચાલન કરશે.












