ભારતીય નિકાસકારોએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 24 દેશોમાં નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે. સપ્ટેમ્બરમાં ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં શિપમેન્ટમાં ઘટાડો થયો છે ત્યારે માર્કેટ ડાઈવર્સિફિકેશનનો સ્પષ્ટ સંકેત મળે છે. આ 24 દેશોમાં કોરિયા, UAE, જર્મની, ટોંગો, ઇજિપ્ત, વિયેતનામ, ઇરાક, મેક્સિકો, રશિયા, કેન્યા, નાઇજીરીયા, કેનેડા, પોલેન્ડ, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇટાલી અને ટાંઝાનિયા વગેરેનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે 24 દેશોમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2025-26માં 129.3 બિલિયન ડોલરની કુલ નિકાસ થઈ હતી. આ 24 દેશો ભારતની નિકાસમાં 59 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન, નિકાસ 3.02 ટકા વધીને 220.12 બિલિયન ડોલર થઈ હતી અને આયાત 4.53 ટકા વધીને 375.11 બિલિયન થઈ હતી, જેના કારણે ટ્રેડ ડેફિસિટ 154.99 બિલિયન થઈ હતી.

જોકે, કોમર્સ મંત્રાલયના ડેટા મુજબ આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની 16 દેશોમાં નિકાસમાં નેગેટિવ વૃદ્ધિ નોંધાઈ છે. આ દેશો ભારતની નિકાસમાં લગભગ 27% (0.3 બિલિયન ડોલર) હિસ્સો ધરાવે છે. એક નિકાસકારે જણાવ્યું હતું કે, ભારતીય વસ્તુઓ પર અમેરિકા દ્વારા 50 ટકાનો જંગી ટેરિફ અમેરિકામાં નિકાસને નુકસાન પહોંચાડી રહ્યો છે, પરંતુ નિકાસકારો આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વ સહિત અન્ય ભૌગોલિક દેશોમાં વધુ નિકાસ કરી રહ્યા છે અને વૈકલ્પિક બજારો પર નજર દોડાવી રહ્યા છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફને કારણે સપ્ટેમ્બરમાં ભારતની અમેરિકા ખાતેની નિકાસ 11.93 ટકા ઘટીને 5.46 બિલિયન ડોલર થઈ હતી. એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન દેશની અમેરિકામાં નિકાસ 13.37 ટકા વધીને 45.82 બિલિયન ડોલર થઈ છે, જ્યારે આયાત 9 ટકા વધીને 25.6 બિલિયન ડોલર થઈ છે.

LEAVE A REPLY