REUTERS/Francis Mascarenhas

ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાઈ ગયેલી મહિલા વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં રવિવારે મુંબઈમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 52 રને હરાવી પોતાના માટે વર્લ્ડ ચેમ્પિયન્સનો તાજ હાંસલ કર્યો હતો. ભારતીય ટીમ અગાઉ બે વખત ફાઈનલમાં તો પહોંચી હતી, પણ તે ચેમ્પિયન્સના તાજની મંઝિલે પહેલીવાર પહોંચી હતી. સાઉથ આફ્રિકા પણ હજી સુધી તો આ ટાઈટલ હાંસલ કરી શકી નથી. 78 બોલમાં 87 રન કરી ટીમના 298 રનના સ્કોરમાં સર્વોચ્ચ પ્રદાન કર્યા પછી શેફાલી વર્માએ સાઉથ આફ્રિકાની બે મહત્ત્વની, ટોપ ઓર્ડરની વિકેટો પણ ખેરવી હતી અને તે બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ અપાયો હતો, તો દીપ્તિ શર્માને આ વર્લ્ડ કપમાં તમામ ટીમોમાંથી સૌથી વધુ – 22 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધી સીરીઝનો એવોર્ડ અપાયો હતો.

સાઉથ આફ્રિકાની સુકાની લૌરા વોલ્વાર્ટે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતારી હતી. તેણે 299 રનનો ટાર્ગેટ હાંસલ કરવાના મહાપ્રયાસમાં સદી ફટકારી હતી, પણ તે સરવાળે એળે ગઈ હતી. દીપ્તિ શર્માએ 42મી ઓવરમાં વોલ્વાર્ટ અને પછી ક્લો ટ્રાયોનની વિકેટો ખેરવી ભારતનો વિજય લગભગ નિશ્ચિત કરી દીધો હતો.

નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 298 રન કર્યા હતા. શેફાલીના 87 અને સાથી ઓપનર સ્મૃતિ મંધાનાના 45 સાથે ભારતની ઓપનર્સે 104 રનનો મજબૂત પાયો નાખ્યો હતો. એ પછી દીપ્તિ શર્માએ 58 બોલમાં 58 કર્યા હતા, તો ઋચા ઘોષે 24 બોલમાં 34ની આક્રમક ઈનિંગ વડે ટીમને 7 વિકેટે 298 રનના પડકારજનક સ્કોરે પહોંચાડી હતી.

એ પછી સાઉથ આફ્રિકાની ઓપનિંગ જોડી અડધી સદી કરી શકી હતી, પણ ઓપનર સુકાની છેક 42મી ઓવર સુધી ટકી ગઈ હતી અને તેણે 98 બોલમાં 101 રન પણ કર્યા હતા. પણ તેના સિવાય એનેરી ડેરિકસન જ 35 રન કરી શકી હતી, બાકી કોઈ બેટર 30 સુધી પહોંચી શકી નહોતી. એકંદરે ટીમ 46મી ઓવરમાં 246 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી.

રીચા ઘોષે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં 12 છગ્ગા ફટકારીને એક વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગાના 12 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. આ રેકોર્ડ અગાઉ વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી ડિઆન્ડ્રા ડોટીને 2013માં 12 છગ્ગા ફટકારીને કર્યો હતો.

ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌર મહિલા વન-ડે વર્લ્ડ કપના નોકઆઉટ્સમાં સૌથી વધુ રન કરનારી ખેલાડી બની છે. હરમનપ્રીતે 4 ઇનિંગમાં 331 રન કરી આ સિદ્ધિ હાંસલ કરી હતી. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કના નામે હતો, તેણે 6 ઇનિંગમાં 330 રન કર્યા હતા.

તો સ્મૃતિ મંધાનાએ એક જ વન-ડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રનનો રેકોર્ડ કર્યો હતો. સ્મૃતિએ કુલ નવ ઇનિંગમાં 434 રન કરી ભારતની ભૂતપૂર્વ સુકાની મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો હતો.

LEAVE A REPLY