(PTI Photo/Kunal Patil)

ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની મુંબઈમાં 2 નવેમ્બરે રમાઈ રહેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 299 રનનો લક્ષ્યાંક આપ્યો હતાં. પ્રથમ બેટિંગ કરતાં ભારત તરફથી ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ સારી શરૂઆત કરી હતી. શેફાલીએ 78 બોલમાં 87 રન બનાવ્યા હતા, જ્યારે સાથી ઓપનર સ્મૃતિ મંધાના 45 રન બનાવીને આઉટ થઈ હતી. દીપ્તિ શર્માએ શાનદાર અડધી સદી ફટકારી હતી. સેમિફાઇનલમાં મહત્ત્વની બેટિંગ કરનારી જેમિમાહ રોડ્રિગ્સએ 24 અને હરમનપ્રીત કૌરએ 20 રન કર્યાં હતાં.

ભારતની મહિલા ટીમ બે વખત વન-ડે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી, જોકે 2005 અને 2017માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે ટાઇટલ ગુમાવ્યું હતું. ટીમ 2020માં ઓસ્ટ્રેલિયા સામે મહિલા ટ્વેન્ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ હારી ગઈ હતી.

દક્ષિણ આફ્રિકા સતત ત્રીજા વર્ષે વર્લ્ડ કપ ફાઇનલ રમી રહ્યું છે. તેની ટીમ 2023 અને 2024માં T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ પહેલી વાર છે જ્યારે તેઓ 50 ઓવરના ફોર્મેટમાં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યા છે.

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે શનિવારે પત્રકારોને જણાવ્યું કે “હાર્યા પછી કેવું લાગે છે તે અમે સારી રીતે જાણીએ છીએ. પરંતુ જીત પછીની લાગણી એવી છે જેની અમે ખરેખર રાહ જોઈ રહ્યા છીએ.

ભારત લીગ તબક્કામાં ચોથી શ્રેષ્ઠ ટીમ તરીકે સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ કૌર અને જેમીમા રોડ્રિગ્સે ગુરુવારે ભારતને મહિલા ODI ઇતિહાસમાં સૌથી મોટો સફળ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરી હતી અને સાત વખતની ચેમ્પિયન અને ફેવરિટ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચવામાં મદદ મળી હતી.

ગયા મહિને લીગ તબક્કામાં ભારતને હરાવનાર દક્ષિણ આફ્રિકાએ બુધવારે સેમિફાઇનલમાં ચાર વખતના ચેમ્પિયન ઇંગ્લેન્ડ પર ૧૨૫ રનથી શાનદાર વિજય મેળવ્યો હતો, જેમાં કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ૧૪૩ બોલમાં ૧૬૯ રન ફટકારીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો હતો.

વોલ્વાર્ડે કહ્યું હતું કે તમામ દર્શકો ભારતની તરફેણમાં છે, કદાચ સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. તે ચોક્કસપણે તેમના પર ઘણું દબાણ લાવે છે કારણ કે તેમની જીતની અપેક્ષા છે. મને લાગે છે કે તે થોડું આપણા પક્ષમાં છે.

કૌરે કહ્યું કે ભારત છેલ્લા બે વર્ષથી વર્લ્ડ કપ ફાઇનલમાં રમવાની તક માટે તૈયારી કરી રહ્યું છે. મને ખાતરી છે કે, જ્યારે આપણે ફાઇનલ જીતીશું, ત્યારે હજી વધુ ફેરફારો થશે. આપણે ઘણું બધું ક્રિકેટ જોશું, ફક્ત આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે પણ પરિસ્થિતિ સુધરશે.”

LEAVE A REPLY