REUTERS/Francis Mascarenhas

ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025ની મુંબઈમાં 2 નવેમ્બરે રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારતની ટીમ પ્રથમ વખત આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટે 298 રન નોંધાવ્યા હતાં, જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ સારી લડત આપી હતી, પરંતુ અંતે તે 45.3 ઓવરમાં 246 રન કરી શક્યું હતું. આમ ભારતનો બાવન રનથી વિજય થયો હતો.

ભારત માટે શેફાલી વર્માએ 87 રન ફટકારવા ઉપરાંત બોલિંગમાં પણ કમાલ કરી હતી. દિપ્તી શર્માએ પણ અડધી સદી ફટકારવા ઉપરાંત સાઉથ આફ્રિકન કેપ્ટન અને સદી ફટકારનારી લૌરા વોલવાર્ડ સહિત પાંચ મહત્વની વિકેટો ખેરવી હતી.

સાઉથ આફ્રિકા સામેનો 299 રનનો ટારગેટ માહોલ જોતાં આસાન ન હતો. ભારતીય ખેલાડીઓનો જોશ અને ઉત્સાહ અનેરો હતો. તેમાં ય તેમને નિયમિત અંતરે વિકેટો મળતી રહી હતી, ભારતને પહેલી વિકેટ માટે દસમી ઓવર સુધી રાહ જોવી પડી હતી, પરંતુ 61 રનના કુલ સ્કોરે તાન્ઝિમ બ્રિટ્સ આઉટ થઈ પછી તરત જ એન્નેકે બોશ પણ આઉટ થઈ ગઈ હતી.

સાઉથ આફ્રિકન વિમેન્સ ટીમની કેપ્ટન લૌરા વોલવાર્ડ 98 બોલમાં 11 ચોગ્ગા અને એક સિક્સર સાથે 101 રન ફટકારી ભારતને જોરદાર લડત આપી હતી. જોકે તે દિપ્તી શર્માની બોલિંગમાં આઉટ થઈ જતાં ભારતના વિજયનો માર્ગ મોકળો બન્યો હતો.

ભારતની ઇનિંગ્સનો પ્રારંભ મજબૂત રહ્યો હતો. સાઉથ આફ્રિકન ટીમની કેપ્ટન લૌરા વોલવાર્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને ખોટો પુરવાર કરીને ભારતને બે સર્વશ્રેષ્ઠ બેટર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી દીધી હતી. શેફાલીએ પોતાના આગવી આક્રમક શૈલીથી બેટિંગ કરીને 78 બોલમાં 87 રન ફટકાર્યા હતાં. 58 બોલમાં 45 રન કરનારી મંધાના સાથે મળીને શેફાલીએ 17.4 ઓવરમાં 104 રનની ભાગીદારી નોંધાવી હતી.

મંધાના 18મી ઓવરમાં આઉટ થઈ ગઈ ત્યાર બાદ જેમિમાહ રોડ્રિગ્સ બેટિંગમાં આવી હતી. બે દિવસ અગાઉ આ જ મૈદાન પર ઓસ્ટ્રેલિયા સામે યાદગાર સદી ફટકારીને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને હરાવવામાં ભારતીય ટીમને મહત્વપૂર્ણ યોગદાન આપનારી જેમિમાહ આ મેચમાં લાંબી ઇનિંગ્સ રમી શકી ન હતી. તેણે શેફાલી સાથે 62 રન ઉમેર્યા હતા પરંતુ માત્ર 24 રન કરી શકી હતી જ્યારે તેની પાસેથી આથી મોટા સ્કોરની અપેક્ષા હતી. ભારતીય વિમેન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌર પણ 20 રન કરીને આઉટ થઈ ગઈ હતી. જોકે મોખરાની બેટર આઉટ થઈ ગયા બાદ દિપ્તી શર્મા અને રિચા ઘોષે ટીમનો સ્કોર 300ની નજીક પહોંચાડ્યો હતો.

અગાઉ ભારતની મહિલા ટીમ બે વખત વન-ડે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી, જોકે 2005 અને 2017માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે ટાઇટલ ગુમાવ્યું હતું. ટીમ 2020માં ઓસ્ટ્રેલિયા સામે મહિલા ટ્વેન્ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ હારી ગઈ હતી.

દક્ષિણ આફ્રિકા સતત ત્રીજા વર્ષે વર્લ્ડ કપ ફાઇનલ રમી રહ્યું છે. તેની ટીમ 2023 અને 2024માં T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ પહેલી વાર છે જ્યારે તેઓ 50 ઓવરના ફોર્મેટમાં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યા છે.

LEAVE A REPLY