ટેનિસ
(Photo by Mark Brake/Getty Images)

ભારતના પીઢ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ગયા સપ્તાહે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી હતી. બોપન્નાએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ નિર્ણય જાહેર કર્યો હતો.

20 વર્ષની લાંબી કરિયરના અંતે બોપન્નાએ પોસ્ટમાં લખ્યું હતું કે, “આ અલવિદા નથી, આભાર છે. જે વસ્તુએ મારા જીવનને અર્થ આપ્યો, તેનાથી વિદાય કેવી રીતે લઉં? 20 વર્ષ પછી, હવે સમય આવી ગયો છે કે, હું સત્તાવાર રીતે મારૂં રેકેટ મૂકી દઉં. કૂર્ગમાં મારી સર્વિસ મજબૂત કરવા માટે લાકડા કાપવાથી લઈને વિશ્વના સૌથી મોટા એરેનાની લાઇટમાં ઊભા રહેવાનો અનુભવ અવિશ્વસનીય લાગે છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા જીવનનું સૌથી મોટો સન્માન રહ્યું છે. જ્યારે પણ હું કોર્ટ પર ઉતર્યો, ત્યારે મેં તિરંગા, તેની લાગણી અને તેના ગર્વ માટે રમ્યો. હું સ્પર્ધામાંથી દૂર જઈ રહ્યો છું, પરંતુ ટેનિસ સાથેની મારી ગાથા પૂરી નથી થઈ અને હવે હું યુવા ખેલાડીઓને ટેનિસમાં આગળ વધવા માટે મદદ કરવા માંગુ છું.”

બોપન્ના 43 વર્ષની વયે આ વર્ષે 29 જાન્યુઆરી, 2024ના રોજ ATP રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 મેન્સ ડબલ્સ ખેલાડી બન્યો હતો. એટલી વયે નંબર-1 બનેલો તે સૌથી ઉંમરલાયક ખેલાડી છે.

45 વર્ષના આ જમણેરી ખેલાડીએ પોતાના 20 વર્ષના પ્રોફેશનલ કરિયરમાં 2 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ – 2024માં ઓસ્ટ્રેલિયન ઓપન મેથ્યુ એબ્ડેન સાથે અને તે પહેલા 2017માં ફ્રેન્ચ ઓપનનું મિક્સ્ડ ડબલ્સ ટાઈટલ હાંસલ કર્યું હતું.

LEAVE A REPLY