
ભારતના સૌથી હાઇ-પ્રોફાઇલ સ્થળોમાંના એક દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે સોમવાર, 10 નવેમ્બરની સાંજે એક કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયાં હતાં અને 24થી વધુ ઘાયલ થયા હતાં. ઘાયલમાંથી ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની ધારણા છે.
લાલ કિલ્લા મેટ્રો રેલવે સ્ટેશન નજીક સવારે 6.52 વાગ્યે હ્યુન્ડાઇ I20 કારમાં વિસ્ફોટ થયો હતો. ભીડભાડવાળા વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત મૃતદેહો અને ક્ષતિગ્રસ્ત કાર વિખેરાઈ ગઈ હતી. જમીન પર મૃતદેહો, શરીરના વિચ્છેદિત ભાગો અને ક્ષતિગ્રસ્ત કાર દેખાતી હતી.
દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ખૂબ જ શક્તિશાળી વિસ્ફોટ હતો. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ પત્રકારોને જણાવ્યું હતું કે લાલ કિલ્લા ટ્રાફિક સિગ્નલ પાસે ધીમી ગતિએ ચાલતા વાહનમાં વિસ્ફોટ થયો હતો. કારમાં સવાર લોકો હતાં. વિસ્ફોટથી નજીકની કારોને નુકસાન થયું હતું. વિસ્ફોટમાં 22 કારને નુકસાન થયું હતું.
વિસ્ફોટને પગલે અમદાવાદ, સુરત મુંબઈ, જયપુર, ઉત્ત પ્રદેશ અને ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ જારી કરાયો હતો.
આ વિસ્ફોટને પગલે આજુબાજુની અનેક વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાસ્થળે 12થી 15 એબ્યુલન્સ મોકલવામાં આવી હતી.
આ ઘટના સ્થળના વાયરલ વીડિયોમાં મોટી ભીડ દેખાઈ રહી છે જેમાં અનેક વાહનો આગમાં સળગી રહ્યા છે. બીજા એક વિડીયોમાં એક દરવાજા ઉડી ગયેલી કાર, એક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત કાર, બીજી કારનો વિન્ડસ્ક્રીન તૂટેલો છે અને એક ઘાયલ માણસ જમીન પર પડેલો દેખાય છે. આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો રેલવે સ્ટેશનના ગેટ-1 પર થયો હતો.
ઘટનાસ્થળે લગભગ 20 ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા, અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ વિસ્તારમાં સામાન્ય ટ્રાફિક પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
આ આતંકવાદી કૃત્ય હતું કે નહીં તેની તાકીદે કોઇ માહિતી મળી શકી ન હતી. વિસ્ફોટનું સ્વરૂપ નક્કી કરવા માટે ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. લાલ કિલ્લો, જૂની દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં આવેલો છે. તે દિલ્હીના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે.
અગાઉ દિલ્હી નજીકથી એક ચોંકાવનારી વિસ્ફોટક જપ્તીમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમે હરિયાણાના ફરીદાબાદમાંથી 350 કિલો વિસ્ફોટક સામગ્રી (એમોનિયમ નાઈટ્રેટ) અને એક એસોલ્ટ રાઈફલ જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન 20 ટાઈમર, એક પિસ્તોલ, ત્રણ મેગેઝિન અને એક વોકી-ટોકી સેટ પણ મળી આવ્યાં હતાં.
આ વિસ્ફોટક સામગ્રી કાશ્મીરે ડોક્ટરે ભાડે રાખેલા મકાનમાંથી મળી આવી હતી. ફરીદાબાદમાં બીજા એક ઘરમાંથી 2,563 કિલો શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવ્યાં હતાં. બંને મકાનો જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ડૉક્ટર ડૉ. મુજમ્મીલ શકીલે ભાડે લીધાં હતાં. મુજમ્મીલ કટ્ટરપંથીઓને સંડોવતા “વ્હાઇટ-કોલર” આતંકવાદી ઇકોસિસ્ટમમાં મુખ્ય કડી તરીકે ઉભરી આવ્યો છે.
શ્રીનગરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને સમર્થન આપતા પોસ્ટરો લગાવવાના આરોપમાં પોલીસે ઉત્તરપ્રદેશના સહારનપુરથી એક કાશ્મીરી ડૉક્ટરની ધરપકડ કર્યાના થોડા દિવસો બાદ આ મોટી કાર્યવાહી કરાઈ હતી.











