અક્ષયકુમાર તેની પ્રોફેશનલ લાઇફની સાથે અંગત જીવનમાં તંદુરસ્તી માટે શિસ્ત અને નિયમપાલનનો આગ્રહી છે. તેણે સ્વીકાર્યું છે કે, તે તંદુરસ્ત રહેવા માટે સાંજે 6.30 વાગ્યા પછી કંઇ જ નહીં આરોગવાના નિયમનું કડક પાલન કરે છે. આ ઉપરાંત તે કોઈ પાર્ટીમાં પણ કંઇ આરોગતા નથી. તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં તેણે સ્વીકાર્યું હતું કે, લોકોની સાથે પાર્ટીમાં ગ્લાસ ભરે છે, પણ તેને એમાં મજા આવતી નથી.
અક્ષયકુમારને બોલીવૂડનો સૌથી ફિટ અભિનેતા માનવામાં આવે છે. તેણે કહ્યું કે તે પોતાના ભોજન બાબતે કોઈ કડક નિયમ પાલન કરતો નથી. આ વાતથી ઘણા લોકોને આશ્ચર્ય થશે પરંતુ તેણે કહ્યું કે તે છોલે પુરી, જલેબી અને બરફી બધું જ આરોગે છે.
અક્ષયે કહ્યું, ‘હું એવો નથી કે હું કંઈ પણ ખાતી વખતે સતત કેલેરી અને પ્રોટીન ગણતો રહું. હું પણ સામાન્ય માણસ જેવું જ જીવન જીવું છું. હા પણ હું સાંજે 6.30 પછી કશું જ ખાતો નથી, કોઈ નાસ્તો પણ નહીં. મેં છેલ્લા 20 વર્ષમાં આ નિયમનું પાલન કર્યું છે. ક્યારેક કોઈ પાર્ટીમાં લોકોને બતાવવા ખાતર હું ગ્લાસ હાથમાં લઈ લઉં છું અથવા તો કોઈનું માન જાળવવા ખાતર કેકનો એકાદ ટુકડો ખાઈ લેતો હોઉં છું, પરંતુ મને એમાં મજા આવતી નથી. મેં વર્ષોથી આલ્કોહોલ નથી લીધું.’
તાજેતરમાં જ અક્ષયકુમારની ‘જોલી એલએલબી 3’ રીલીઝ થઈ હતી, જેમાં તેની સાથે અરશદ વારસી પણ છે. જોલી એલએલબી ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ છે. જે બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી. અક્ષયકુમાર આ સિવાય પ્રિયદર્શન સાથે બે ફિલ્મ કરી રહ્યો છે, જેમાંથી એક તેની હેરાફેરી ફ્રેન્ચાઈઝીની ફિલ્મ છે, જેમાં ફરી એક વખત તે સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે જોવા મળશે.
આ સિવાયની એક ફિલ્મ છે, ‘ભૂત બંગલા’ જેમાં તેની સાથે વામિકા ગબ્બી લીડ રોલમાં હશે અને પરેશ રાવલ પણ મહત્વના રોલમાં હશે. આ સિવાય તે દિગ્દર્શક અમિત રાય સાથે ‘ઓએમજી 3’ની સ્ક્રિપ્ટ પર ચર્ચા કરી રહ્યો છે.











