ટેસ્ટ
(ANI Photo)

ભારતના પ્રવાસે ગયેલી સાઉથ આફ્રિકાની ટીમ સામે કોલકાતામાં રમાઈ ગયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 30 રને નામોશીભર્યો પરાજય થયો હતો. ટેસ્ટ મેચ લગભગ અઢી દિવસમાં જ, રવિવારે બપોરે પુરી થઈ ગઈ હતી. ભારતીય ટીમને પહેલી ઈનિંગમાં તો 30 રનની સરસાઈ પણ મળી હતી અને સાઉથ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં તો પહેલી ઈનિંગના સ્કોર કરતાં પણ છ રન ઓછા જ કરી શકી હતી, પણ બેટિંગ માટે સ્હેજ પણ સાનુકુળ નહીં એવી પીચ ઉપર બીજી ઈનિંગમાં તો ભારતીય બેટિંગનો દેખાવ સાવ કંગાળ રહ્યો હતો.

ભારત માટે એક મુશ્કેલી એ પણ રહી હતી કે, સુકાની શુભમન ગિલ પહેલી ઈનિંગમાં જ ઈજાના કારણે ફક્ત ચાર બોલ રમી રીટાયર થયો હતો અને બીજી ઈનિંગમાં તે બેટિંગ કરી જ શક્યો નહોતો. સા. આફ્રિકન સ્પિનર સાઈમન હાર્મરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

સાઉથ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમાએ ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, જે પહેલા દિવસે તો યોગ્ય નહોતો લાગ્યો પણ એકંદરે તે સાચો સાબિત થયો હતો. તેના બન્ને ઓપનર્સે ટીમને પ્રમાણમાં શરૂઆત તો સારી આપી હતી, પણ 57 રને રીકલટનની પહેલી વિકેટ પડ્યા પછી શરૂ થયેલી આવન-જાવન નિયમિત રીતે ચાલતી રહી હતી અને ફક્ત 55 ઓવરમાં તો ટીમ 159 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. ભારતના સૌથી વેધક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 14 ઓવરમાં ફક્ત 27 રન આપી પાંચ વિકેટ ખેરવી હતી.

તેના સિવાય સિરાજ અને કુલદીપ યાદવને બે-બે તથા અક્ષર પટેલને એક વિકેટ મળી હતી. સા. આફ્રિકા તરફથી ઓપનર મારક્રમના 31 રન સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. ચાના વિરામ પછી ફક્ત ત્રણ ઓવરમાં સા. આફ્રિકાની ઈનિંગ પુરી થઈ ગઈ હતી અને દિવસના અંતે ભારતે તેની પહેલી ઈનિંગમાં 20 ઓવરમાં એક વિકેટે 37 રન કર્યા હતા.

બીજા દિવસે ભારતનો પણ ધબડકો થયો હતો અને ચાના વિરામ પહેલા તો ટીમ 62.2 ઓવરમાં 189 રનમાં ઓલાઉટ થઈ હતી. ઓપનર કે. એલ. રાહુલના 119 બોલમાં 39 રન ટીમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો, તો સા. આફ્રિકા તરફથી સ્પિનર સાઈમન હાર્મરે 15.2 ઓવરમાં 30 રન આપી ચાર વિકેટ લીધી હતી, જ્યારે ફાસ્ટ બોલર માર્કો યાન્સેને 3 તથા કેશવ મહારાજ અને કોર્બિન બોશે એક-એક વિકેટ લીધી હતી. જો કે, ભારતને 30 રનની સરસાઈ મળી હતી. ભારત માટે રાહુલ અને વોશિંગ્ટન સુંદરે બીજી વિકેટની ભાગીદારીમાં સૌથી વધુ, 57 રન કર્યા હતા. ટીમે છેલ્લી ચાર વિકેટ ફક્ત 18 રનમાં ગુમાવી હતી.

એ પછી, દિવસના અંત સુધીમાં તો સાઉથ આફ્રિકાની પણ 7 વિકેટ ભારતે ફક્ત 93 રનમાં ખેરવી નાખી હતી. ટીમ માટે સુકાની બાવુમાએ 136 બોલ રમી અણનમ 55 રન કર્યા હતા, જે ટીમના વિજયમાં મહત્ત્વના બની રહ્યા હતા. બાવુમા અને બોશે 8મી વિકેટની ભાગીદારીમાં 44 રન ઉમેર્યા હતા. તેમાંથી 42 રન રવિવારે ત્રીજા દિવસે કર્યા હતા.

ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ચાર, સિરાજ અને કુલદીપ યાદવે 2-2 તથા બુમરાહ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી. એકંદરે સા. આફ્રિકાએ બીજી ઈનિંગમાં 153 રન કર્યા હતા અને ભારતે વિજય માટે 124 રન કરવાના હતા, પણ ટીમ ફક્ત 94 રનમાં ઓલાઉટ (9 વિકેટ) થઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદરે 92 બોલમાં 31 અને અક્ષર પટેલે 17 બોલમાં 26 રન કર્યા હતા, તે સિવાય ફક્ત બે બેટર્સ જ બે આંકડના સ્કોરે પહોંચી શક્યા હતા. સા. આફ્રિકા તરફથી બીજી ઈનિંગમાં પણ હાર્મરે ચાર વિકેટ લીધી હતી, તો માર્કો યાન્સેન અને કેશવ મહારાજે 2-2 તથા એઈડન મારક્રમે એક વિકેટ લીધી હતી.

LEAVE A REPLY