કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 30 રને પરાજય આપ્યો હતો. 124 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતની ટીમ માત્ર 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમા 159 અને બીજી ઇનિંગમાં 153 રન બનાવ્યા હતાં. ભારતની ટીમ પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલઆઉટ થઈ હતી. તેથી ભારતને વિજય માટે 124 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
૧૨૪ રનના ટેસ્ટ રનનો પીછો કરવાના લક્ષ્ય સાથે ભારતની શરૂઆત સૌથી ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને માત્ર એક રનના સ્કોર પર આઉટ થયા હતાં. ટીમ ઈન્ડિયા તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 31 રન બનાવ્યા હતાં.
ઉપ-કપ્તાન ઋષભ પંત નિષ્ફળ ગયો હતો. વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલના પ્રયાસો પણ પૂરતા રહ્યાં ન હતાં. ભારતને કેપ્ટન શુભમન ગિલની ગેરહાજરીથી મોટું નુકસાન થયું હતું. ગિલ ગરદનની ઇજાને કારણે મેચ દરમિયાન અધવચ્ચે જ મેદાન બહાર થઈ ગયો હતો.
દક્ષિણ આફ્રિકાના સ્પિનર સિમોન હાર્મરે મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. 2012 પછી કોલકાતામાં ભારતનો પહેલો ટેસ્ટ પરાજય છે અને 2010 પછી દક્ષિણ આફ્રિકાનો ભારતમાં પહેલો વિજય છે. આ બીજો સૌથી ઓછો ટાર્ગેટ હતો, જેનો પીછો કરવામાં ભારત નિષ્ફળ ગયું હતું. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આ બીજો સૌથી ઓછો ટાર્ગેટ હતો.
પ્રથમ દિવસે પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ જસપ્રીત બુમરાહના ઝંઝાવાત સામે ટકી શકી ન હતી. દક્ષિણ આફ્રિકાનો ઈડન ગાર્ડન્સ ખાતે પહેલી ઈનિંગનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી. પ્રથમ ઇનિંગમાં એડન માર્કરમ અને રાયન રિકલ્ટને દક્ષિણ આફ્રિકાને મજબૂત શરૂઆત અપાવીને 57 રનની ભાગીદારી કરી હતી.
જોકે આ પછી વિકેટો પડવાની શરૂઆત થઈ હતી. માર્કરમ 31 અને રિકલ્ટન 23 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. ટોની ડી જોરજીએ 24 રન કર્યા હતાં. બુમરાહનો આ કારકિર્દીનો 16મો 5 વિકેટનો રેકોર્ડ હતો. જસપ્રીત બુમરાહ ઈશાંત શર્મા પછી ટેસ્ટ મેચના પહેલા દિવસે 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બન્યો હતો. ઈશાંતે 2019માં બાંગ્લાદેશ સામે આ જ મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી.












