યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાનાં ભૂતપૂર્વ એમ્બેસેડર નિક્કી હેલીના પુત્ર નલિને કાયદેસર ઇમિગ્રેશનને અટકાવવાની માગણી કરી હતી. ટકર કાર્લસન સાથેની ચર્ચામાં નલિને જણાવ્યું હતું કે, ‘દેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદિત કરવાની જરૂર છે, અને ‘તેમાં કેટલાક જાસૂસ પણ છે. આપણે આપણા બાળકોને પ્રાથમિકતા આપવી જોઈએ.’ નલિને બે દેશોની નાગરિકતાનો પણ વિરોધ કરીને તેને તેને સૌથી મૂર્ખતાભર્યો વિચાર કહ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, લોકોએ પહેલા અમેરિકા પ્રત્યે વફાદારી દર્શાવવી જોઈએ. તમે અમેરિકન છો, અથવા તો તમે અમેરિકન નથી. 24 વર્ષીય નલિને એમ પણ જણાવ્યું કે, બે દેશોની નાગરિકાનો મુદ્દો પહેલેથી જ મુશ્કેલીરૂપ હતો અને બીજા દેશની સેવા કરવી એ પણ સ્વીકાર્ય નથી. અન્ય ભાષા શીખવી કે જાણવી એ સારી બાબત છે, પરંતુ પ્રાથમિક ભાષા તરીકે અંગ્રેજી સિવાય બીજું કંઈ હોય તે સ્વીકાર્ય નથી. નલીને અગાઉ એક અન્ય ચર્ચામાં જણાવ્યું હતું કે, ‘મારા હાઇસ્કૂલના ગ્રુપના મિત્રો પ્રતિષ્ઠિત સ્કૂલ્સમાંથી મોટી ડિગ્રીઓ સાથે સ્નાતક થયા છે. તેમણે અભ્યાસ પૂર્ણ કર્યાને દોઢ વર્ષ થઈ ગયું છે, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ પાસે નોકરી નથી.’ આથી તેમણે કાયદેસર ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકવા માટે હિમાયત કરી હતી.













