નોર્થ કેરોલિનાના એરપોર્ટ પર ટેકઓફ કર્યા પછી તરત જ પાછા ફરવાનો પ્રયાસ કરતી વખતે એક બિઝનેસ જેટ ક્રેશ થતાં તમામ સાત મુસાફરોના મોત થયા હતાં. મૃતકોમાં નિવૃત્ત NASCAR ડ્રાઇવર ગ્રેગ બિફલ અને તેમના પરિવારનો સમાવેશ થાય છે.
સેસ્ના C550 બિઝનેસ જેટમાં લેન્ડિંગ દરમિયાન આગ ભડકી હતી. તે ચાર્લોટથી લગભગ 45 માઇલ (72 કિલોમીટર) ઉત્તરમાં સ્ટેટ્સવિલે પ્રાદેશિક એરપોર્ટથી રવાના થયું હતું, પરંતુ પાછા ફરવાનો અને ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ટૂંક સમયમાં ક્રેશ થયું હતું. ફ્લાઇટ રેકોર્ડ્સ મુજબ વિમાન બિફલ દ્વારા સંચાલિત કંપનીમાં નોંધાયેલું હતું. ક્રેશનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણમાં વિમાન એરપોર્ટ પર પાછું કેમ ફર્યું તે પણ જાણી શકાય ન હતું.
હાઇવે પેટ્રોલ અને પરિવારના નિવેદન અનુસાર, બિફલ તેમની પત્ની ક્રિસ્ટીના અને બાળકો 5 વર્ષીય રાયડર અને 14 વર્ષીય એમ્મા સાથે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં હતા. વિમાનમાં સવાર અન્ય લોકોની ઓળખ ડેનિસ ડટન, તેમના પુત્ર જેક અને ક્રેગ વેડ્સવર્થ તરીકે થઈ હતી.
55 વર્ષીય બિફલે NASCARના ત્રણ સર્કિટમાં 50થી વધુ રેસ જીતી હતી, જેમાં કપ સિરીઝ સ્તરે ૧૯ રેસનો સમાવેશ થાય છે. તેમણે ૨૦૦૦માં ટ્રક્સ સિરીઝ ચેમ્પિયનશિપ અને ૨૦૦૨માં એક્સફિનિટી સિરીઝ ટાઇટલ પણ જીત્યું હતું.














