ફિલ્મ

આ સ્પાય થ્રિલર ફિલ્મની કહાની ડિસેમ્બર 1999ના કંધાર IC-814 વિમાન હાઇજેકની ઘટના અને 2001ના ભારતીય સંસદ હુમલાથી પ્રેરિત છે. ફિલ્મ ભારતીય ગુપ્તચર એજન્સીના વડા અજય સાન્યાલ (આર. માધવન)થી શરૂ થાય છે, જે પાકિસ્તાનમાં કાર્યરત ત્રાસવાદી અને અંડરવર્લ્ડ નેટવર્કને તોડી પાડવાની યોજના બનાવે છે. આ માટે તેને એક એવા યુવાનની જરૂર છે જેની કોઈ ઓળખ નથી અને તે કોઈ ગુનામાં સંડોવાયેલો હોય. તેની શોધ પંજાબના 20 વર્ષીય યુવાન હમઝા (રણવીર સિંહ) સુધી પહોંચે છે, જે જેલમાં કેદ છે. હમઝાને ખાસ તાલીમ આપવામાં આવે છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં હિંસક સીન દર્શકોને વિચલિત કરી શકે છે. આ સિવાય ફિલ્મમાં ઇમોશન, દેશભક્તિ પણ દર્શાવવામાં આવી છે. આમ, ફિલ્મમાં પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારતની ઇન્ટેલિજન્સ ટીમ કેવી રીતે નિષ્ફળ કરે છે, તે દર્શાવવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં હમઝાનો સામનો ખતરનાક અંડરવર્લ્ડ સાથે થાય છે, જ્યાં તેનો સામનો ગેંગસ્ટર રહેમાન દકૈત (અક્ષય ખન્ના) અને કરાચીના પોલીસ અધિક્ષક ચૌધરી અસલમ (સંજય દત્ત) જેવા ખતરનાક લોકો સાથે થાય છે. ફિલ્મના પ્રથમ ભાગમાં ગેંગસ્ટરની દુનિયા, ગુના અને હિંસા દર્શાવવામાં આવી છે, જ્યારે બીજા ભાગમાં જાસૂસી, છેતરપિંડી અને ષડયંત્ર દર્શાવવામાં આવ્યું છે. અંતે શું હમઝા તેના મિશનમાં સફળ થાય છે અને તે કેવી રીતે અંડરવર્લ્ડનો નાશ કરે છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મનું દિગ્દર્શન યામી ગૌતમના પતિ આદિત્ય ધરે કર્યું છે, જેમણે ઉરી, ધ સર્જિકલ સ્ટ્રાઇક બનાવી હતી. આ ફિલ્મમાં સારા અર્જુન, રાકેશ બેદી અને દાનિશ પંડોરે પણ કામ કર્યું. હવે ‘ધુરંધર’ની સીક્વલ 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થશે.
સોશિયલ મીડિયા પર તેને એક અદભૂત ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે. આ ફિલ્મ જોઇને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ‘કેટલી જબરદસ્ત ફિલ્મ હતી. કદાચ લાંબા સમય બાદ મેં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંથી આ એક છે. રૉ અને રિયલ ફિલ્મ જેમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને અન્ય તમામ કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે. દિલને સ્પર્શી જાય એવું અને ધબકારા વધારી દે એવું સંગીત મને ખૂબ ગમ્યું અને સૌથી વધુ તો મને આદિત્ય ધરનું દિગ્દર્શન બહુ પસંદ આવ્યું. બહુ મુશ્કેલ છતાં દિલથી બનાવેલી ફિલ્મ છે. આ કોઈ સામાન્ય ફિલ્મ નથી. આ દરેક તે અજાણ્યા પુરુષ, મહિલા અને દેશભક્ત માટે એક લવ-લેટર છે જેમણે આપણા દેશની રક્ષા માટે પોતાની જિંદગી જોખમમાં મૂકી છે. સાડાત્રણ કલાક પળભરમાં વીતી ગયા અને હું આ ફિલ્મ ફરીથી જોવા માટે તૈયાર છું. આદિત્ય ધર, મારી પાસે શબ્દો નથી, જ્યારે શબ્દો મળશે ત્યારે તમને ફોન કરીને કહીશ કે મને કેવી લાગી અને આ માસ્ટરપીસ મને કેટલો ગમ્યો. ત્યાં સુધી હું માત્ર એટલું જ કહું છું કે મિત્રો, આ ફિલ્મ ચૂકી ન જશો, જરૂરથી જઈને જુઓ. આ માસ્ટરપીસને જીવંત બનાવનારી સમગ્ર કાસ્ટ અને ક્રૂને દિલથી ખૂબ-ખૂબ અભિનંદન.’

LEAVE A REPLY