પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે પાસપોર્ટ સત્તાવાળા પાસપોર્ટ રિન્યૂ કરતી વખતે અરજદારની ભવિષ્યની મુસાફરી યોજનાઓ અથવા વિઝાની વિગતો માગી શકે નહીં. બંધારણ મુજબ નાગરિકોને ફરવાનો, મુસાફરી કરવાનો, આજીવિકા મેળવવાનો મૂળભૂત હક મળેલો છે અને પાસપોર્ટ સત્તાવાળાનું કામ ફક્ત એ જોવાનું છે કે કોર્ટે ફોજદારી કેસ હોવા છતાં મુસાફરીની મંજૂરી આપેલી છે કે નહીં.

સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે જણાવ્યું હતું કે આપણી બંધારણીય યોજનામાં સ્વતંત્રતા એ સરકારે આપેલી ભેટ નથી, પરંતુ તે સરકારની પ્રથમ ફરજ છે. ભારતના બંધારણની કલમ 21 હેઠળ નાગરિકને ફરવાની, મુસાફરી કરવાની, આજીવિકા મેળવવાની અને તક મેળવવાની સ્વતંત્રતાની ગેરંટી અપાઈ છે.

સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે સરકારે કાયદા દ્વારા સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થાના હિતમાં કોઇ વ્યક્તિની યાત્રાની સ્વતંત્રતાને નિયંત્રિત અથવા પ્રતિબંધિત કરી શકે છે, પરંતુ આવા નિયંત્રણ જરૂરી હોય તેટલા મર્યાદિત હોવા જોઈએ અને કાયદામાં સ્પષ્ટપણે સ્થાપિત હોવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે કોલસાના બ્લોકની ફાળવણીમાં દોષિત ઠરેલા મહેશ કુમાર અગ્રવાલની અરજી પર આ આદેશ આપ્યો હતો. મહેશ કુમાર ઝારખંડના રાંચીમાં NIA કોર્ટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) ધારા (UAPA)ના આરોપોનો સામનો કરી રહ્યાં છે. તેમણે જામીનની શરત તરીકે કોર્ટમાં પાસપોર્ટ જમા કર્યો હતો અને તેમણે પાસપોર્ટ રિન્યૂ કરવાની અરજી કરી હતી. તેમનો પાસપોર્ટ 2023માં એક્સ્પાયર થયો હતો.

LEAVE A REPLY