અમેરિકામાં પ્રેસિડન્ટ ટ્રમ્પના ઇમિગ્રેશન વિરોધી શ્રેણીબદ્ધ પગલાંને કારણે 27 ટકા અથવા તો દસમાંથી ત્રણ ઇમિગ્રન્ટ્સ ઇરાદાપૂર્વક દેશની અંદર અથવા દેશની બહાર મુસાફરી કરવાનું ટાળ્યું હતું. વેલિડ એચ-1બી વિઝા અને ગ્રીનકાર્ડ ધરાવતા કાયદેસરના ઇમિગ્રન્ટ્સ પણ મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. વેલિડ એચ-વનબી વિઝા ધરાવતા 32 ટકા અને અમેરિકાના નાગરિક બની ચુકેલી 15 ટકા ઇમિગ્રન્ટ્સ કહ્યું હતું કે તેમણે મુસાફરી કરવાનું બંધ કર્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની ભાગીદારીમાં કૈસર ફેમિલી ફાઉન્ડેશન (KFF)એ હાથ ધરેલા 2025ના ઇમિગ્રન્ટ્સના સરવેમાં આ ચોંકવાનારા તારણો બહાર આવ્યાં હતાં.

સરવેમાં જણાવાયું હતું કે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોમાં આવો ડર વધુ વ્યાપક જોવા મળી રહ્યો છે. ત્રીજા ભાગના અથવા તો 63 ટકા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સે ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનું ટાળ્યું હતું. તમામ ઇમિગ્રન્ટ્સ લાંબા અંતરની મુસાફરી ટાળી ટાળીને લો-પ્રોફાઇલ રહેવાનું પસંદ કરી રહ્યાં છે. તેનું મુખ્ય કારણ એ છે કે ટ્રાન્સપોર્ટ સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (TSA)એ હવે પેસેન્જર ડેટા ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના સત્તાવાળાઓને આપવાનું ચાલુ કર્યું છે. આ ડેટાને આધારે ઇમિગ્રેશન સત્તાવાળા કાર્યવાહી કરે તેવો ડર છે. બ્રિટનના વર્તમાનપત્ર ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ICEના ડરને કારણે કાયદેસર નાગરિક બની ચુકેલા ઇમિગ્રન્ટ્સ પણ મુસાફરી કરતી વખતે તેમના પાસપોર્ટ સાથે રાખી રહ્યાં છે.

પ્રેસિડન્ટ ટ્રમ્પના ઇમિગ્રન્ટ્સ વિરોધી શ્રેણીબદ્ધ પગલાંને કારણે ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે જેની ઇમિગ્રન્ટ્સના રોજિંદા નિર્ણયો પર અસર થઈ રહી છે. વધુ પડતી ચકાસણી, ફેડરલ એજન્સીઓ વચ્ચે વિસ્તૃત ડેટા શેરિંગ અને વારંવાર નીતિગત ફેરફારોને કારણે કાયદેસરના ઇમિગ્રન્ટ્સ માટે પણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી જોખમી બની ગઈ છે

અમેરિકામાં હાલમાં વાર્ષિક હોલિડે સીઝન ચાલે ત્યારે આ સરવેમાં આ ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. અમેરિકામાં સામાન્ય રીતે હેલોવીનથી નવા વર્ષની પૂર્વ સંધ્યા રજાઓની મોસમ હોય છે. આ સમયગાળો સામાન્ય રીતે અમેરિકામાં મોટાભાગના લોકો મુસાફરી કરતાં હોય છે. ટ્રાવેલ ડેટા દર્શાવે છે કે થેંક્સગિવીંગ, ક્રિસમસ અને નવા વર્ષના સમયગાળાનો વર્ષનો સૌથી વ્યસ્ત ટ્રાવેલ સિઝન હોય છે.

 

LEAVE A REPLY