ઝોહરાન મામદાણી પહેલી જાન્યુઆરીએ સદીઓ જૂના કુરાન પર હાથ રાખીને ન્યૂયોર્ક સિટીના મેયર તરીકે શપથ લીધા હતાં. આની સાથે ઇસ્લામના પવિત્ર ગ્રંથને હાથમાં રાખીને શપથ લેનારા તેઓ ન્યૂયોર્કના પ્રથમ મેયર બન્યાં હતાં. 34 વર્ષીય ડેમોક્રેટે લાંબા સમયથી બંધ રહેલા ઓલ્ડ સિટી હોલ સબવે સ્ટેશનમાં શપથ લીધા હતાં. તેઓ આ પદ સંભાળનાર પ્રથમ મુસ્લિમ, પ્રથમ દક્ષિણ એશિયન અને પ્રથમ આફ્રિકન મૂળના વ્યક્તિ છે.
મામદાણીના પત્ની રમા દુવાજીને એક પુસ્તક પસંદ કરવામાં મદદ કરનાર એક વિદ્વાનના જણાવ્યા અનુસાર ઐતિહાસિક કુરાનનો ઉપયોગ દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં લાંબા સમયથી રહેતા અને જીવંત મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. મામદાણીના મોટાભાગના પુરોગામીઓએ બાઇબલ હાથમાં રાખીને શપથ લીધા હતાં, જોકે સંઘીય, રાજ્ય અને શહેરના બંધારણ હોદ્દા માટેના શપથમાં કોઈપણ ધાર્મિક ગ્રંથનો ઉપયોગ કરવાનું ફરજિયાત નથી.
સબવે સમારોહ દરમિયાન મામદાણીએ શપથ માટે બે કુરાન પર હાથ રાખ્યો હતો. તેમાં તેમના દાદાના વખતના કુરાન અને 18મી સદીના અંતમાં અથવા 19મી સદીની શરૂઆતમાં પોકેજ સાઇઝ કુરાનનો સમાવેશ થાય છે. ન્યૂ યોર્ક પબ્લિક લાઇબ્રેરીમાં આ કુરાન રાખવામાં આવેલું છે.
અગાઉ 4 નવેમ્બરે ભારતીય મૂળના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઝોહરાન મામદાણીએ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવી ઇતિહાસ રચ્યો હતો. અમેરિકાના સૌથી મોટા શહેરનું સુકાન સંભાળનારા તેઓ પ્રથમ દક્ષિણ એશિયન અને પ્રથમ મુસ્લિમ બન્યાં હતાં. મામદાણીએ ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને હરાવ્યાં હતાં.
મામદાણીનો જન્મ ભારતીય મૂળના માતાપિતાને ત્યાં યુગાન્ડામાં થયો હતો. તેમની માતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મીરા નાયર છે અને પિતા જાણીતા લેખક મહમૂદ મામદાની છે. તેઓ સાત વર્ષના હતાં ત્યારે તેમના માતાપિતા સાથે ન્યુ યોર્ક આવ્યાં હતાં. તેમની માતા મીરા નાયર ‘મોન્સૂન વેડિંગ’ અને ‘સલામ બોમ્બે!’ જેવી ફિલ્મો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ મમદાણીએ બ્રુકલિન સ્થિત આર્ટિસ્ટ રામા દુવાજી સાથે લગ્ન કર્યા છે.










