ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન (GOPIO) એ 13 ડિસેમ્બરના રોજ “કોપીંગ વીથ ટેક્નોલોજીકલ ચેન્જીસ એન્ડ ચેલેન્જીસ” નામનો વેબિનાર યોજ્યો હતો, જેમાં ડીપ્લોમસી, શિક્ષણ, ઉદ્યોગ અને ટેકનોલોજીના નિષ્ણાતો ઝડપી ટેકનોલોજીકલ પરિવર્તનની અસર પર ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા.
ભૂતપૂર્વ ભારતીય રાજદૂત ટી. પી. શ્રીનિવાસને પોતાના મુખ્ય ભાષણમાં ચેતવણી આપી હતી કે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ઝડપી પ્રગતિ ડિપ્લોમસી સહિત દરેક બિઝનેસને ફરીથી આકાર આપી રહી છે. તેમણે કહ્યું હતું કે પરિવર્તનની ગતિ અભૂતપૂર્વ પડકારો ઉભા કરે છે અને માનવીઓ AI ને લગતા જીવન-મરણના નિર્ણયો પર નિયંત્રણ જાળવી રાખે તે સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ચર્ચા કરનાર પેનલમાં પ્રોફેસર ડી. યોગી ગોસ્વામી, પિયુષ મલિક, ડૉ. લતા ક્રિસ્ટી અને ફિલિપ થોમસનો સમાવેશ થતો હતો, જેમાં ક્લીન એનર્જી ટેકનોલોજીથી લઈને ટેકનોલોજીકલ વર્ચસ્વના નૈતિક, સામાજિક અને ભૂ-રાજકીય જોખમો સુધીની ચર્ચાઓ કરવામાં આવી હતી. વક્તાઓએ ખાસ કરીને વંચિત સમુદાયો માટે નવી ટેકનોલોજીઓને સસ્તી અને સુલભ બનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
સુનિલ રોબર્ટ્સ વુપ્પુલા દ્વારા સંચાલિત, સેશનમાં હ્યુમન વેલ્યુ સાથે ઇનોવેશનનું સંતુલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. GOPIO ના ચેરમેન ડૉ. થોમસ અબ્રાહમે જણાવ્યું હતું કે ટેકનોલોજીને વેગ આપવાથી વિશાળ તકો મળે છે, પરંતુ લાભો વ્યાપકપણે વહેંચાય તે સુનિશ્ચિત કરવા માટે જવાબદાર નીતિઓની જરૂર છે.
તસવીર સૌજન્ય – GOPIO













