બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી હિંદુઓ વિરૂદ્ધની હિંસામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ શરિયતપુર જિલ્લામાં મેડીકલ સ્ટોર ધરાવતા ખોકન દાસ પર મુસ્લિમ ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. 50 વર્ષીય ખોકન દાસ પર પહેલા ધારદાર શસ્ત્રોથી હુમલો કરીને મારપીટ કરી હતી. આ પછી શરીર ઉપર પેટ્રોલ છાંટી જીવતાં સળગાવવાનો પ્રયત્ન કરાયો હતો. પોતાનો જીવ બચાવવા દાસ રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં કૂદી પડ્યાં હતાં.
મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના બુધવારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. કોનેશ્વર યુનિયનના તિલોઈ ગામના રહેવાસી દાસ કેયુરભંગા બજારમાં ફાર્મસી અને મોબાઇલ બેંકિંગનો બિઝનેસ કરે છે. બુધવારે રાત્રે દુકાન બંધ કરીને તેઓ ઓટો-રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે કટ્ટરપંથીઓના ટોળાએ ઘેરી લીધાં હતાં અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો અને બાદમાં તેમના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.
પોતાનો જીવ બચાવવા માટે દાસે રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં કુદકો માર્યો હતો. તેમની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં, જેના પગલે હુમલાખોરો ભાગી ગયાં હતાં. સ્થાનિક લોકો દાસને શરિયતપુરની એક હોસ્પિટલમાં લઈ ગયા હતાં, પરંતુ હાલત વધુ ગંભીર બનતા તેમને ઢાકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અગાઉ 18 ડિસેમ્બરે મૈમનસિંહ જિલ્લાના ભાલુકામાં ઈશનિંદાનો ખોટો આરોપ લગાવીને દીપુ ચંદ્ર દાસ પર ટોળાએ હુમલો કર્યો હતો. પહેલા ટોળાએ મારપીટ કરી હતી અને તે પછી ઝાડ પર લટકાવીને જીવતો સળવાગી દેવામાં આવ્યો હતો. 28 ડિસેમ્બરે પમ પિરોજપુર જિલ્લાના એક ગામમાં હિન્દુ પરિવારોને ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.












