istock photo

ભારતની મની લોન્ડરિંગ વિરોધી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ટેક્સટાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની એસ કુમાર્સ નેશનવાઇડ અને તેના ભૂતપૂર્વ CMD નિતિન કાસલીવાલ સામેના બેન્ક લોન ફ્રોડ કેસ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે લંડનમાં બકિંગહામ પેલેસ નજીક ₹રૂ.150 કરોડની સ્થાવર મિલકત જપ્ત કરી હતી. કાસલીવાલ સામે ભારતીય બેંકોના કન્સોર્ટિયમ સાથે ₹રૂ.1,400 કરોડનો ફ્રોડ કરવાનો આરોપ છે.

વિદેશમાં રહેલી સંપત્તિઓ જપ્ત કર્યા પછી ED હવે એન્ટી મની લોન્ડરિંગ કાયદાની ફોજદારી જોગવાઈઓ હેઠળ આવી મિલકતોનો કબજો લેવા માટે યુકેની સંબંધિત એજન્સીઓનો સંપર્ક કરશે.

બુધવારે કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આ મિલકત જપ્ત કરવા માટે મંગળવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કરાયો હતો. મિલકત નિતિન શંભુકુમાર કાસલીવાલ અને તેમના પરિવારના સભ્યોની “બેનિફિશિયલ ઓનરશિપ” હેઠળ છે.

એજન્સીનો આરોપ છે કે કાસલીવાલે એસ કુમાર્સે મારફત બેંકો સાથે છેતરપિંડી કરી હતી અને વિદેશી રોકાણના બહાને નાણાં ભારતની બહાર મોકલ્યા હતાં. આ નાણાંનો ઉપયોગ વિદેશમાં સ્થાવર મિલકતો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો, જેને વિદેશી અધિકારક્ષેત્રોમાં ખાનગી ટ્રસ્ટો અને કંપનીઓના જટિલ માળખા થકી “છુપાવવામાં” આવ્યા હતાં.

23 ડિસેમ્બરે પાડવામાં આવેલા દરોડાના આધારે જાણવા મળ્યું કે કાસલીવાલે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, જર્સી અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા ટેક્સ હેવન દેશોમાં ટ્રસ્ટો અને કંપનીઓનું જાળ ફેલાવ્યું હતું. નિતિન કાસલીવાલે ‘કેથરિન ટ્રસ્ટ’ (અગાઉનું સૂર્યા ટ્રસ્ટ) સ્થાપ્યું હતું, જેમાં તેઓ અને તેમનો પરિવાર મુખ્ય લાભાર્થી હતાં. આ ટ્રસ્ટે જર્સી અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ સ્થિત કંપની ‘કેથરિન પ્રોપર્ટી હોલ્ડિંગ લિમિટેડ’ (CPHL) પર નિયંત્રણ રાખ્યું હતું, જે લંડનની આ મિલકતની માલિક હતી.

LEAVE A REPLY