ફ્રાન્સ સરકાર સોશિયલ મીડિયા માટે મોબાઇલ ફોન કે લેપટોપ જેવા સાધનોનો વધારે ઉપયોગ કરી રહેલા બાળકોને બચાવવા માટે એક નવો પ્રયાસ કરશે. ઇન્ટરનેશનલ સમાચાર એજન્સીના રીપોર્ટ મુજબ, સરકાર આગામી સપ્ટેમ્બર સુધીમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે.
આ પહેલને પ્રેસિડેન્ટ ઇમાન્યુઅલ મેક્રોને પણ સમર્થન આપ્યું છે. તેમણે ગત મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, સંસદે જાન્યુઆરીમાં આવા પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરવી જોઈએ. ઓસ્ટ્રેલિયાએ પણ ગત મહિનાથી 16 વર્ષથી ઓછી વયના બાળકો પર સોશિયલ મીડિયાના ઉપયોગ પ્રતિબંધ મુક્યો છે, આવી કાર્યવાહી કરનાર તે વિશ્વમાં પ્રથમ દેશ છે. આ પ્રતિબંધ અંગેના મુસ્સદ્દામાં જણાવવામાં આવ્યું છે કે, ‘કિશોર વયના બાળકો દ્વારા ડિજિટલ સ્ક્રીનના વધુ પડતા ઉપયોગથી થતા વિવિધ જોખમો અંગે ઘણા સંશોધન અભ્યાસ અને રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.’ સરકારે જણાવ્યું હતું કે, બાળકો દ્વારા સોશિયલ મીડિયાના અનિયંત્રિત ઉપયોગના કારણે તેઓ સાયબર સંબંધિત ગુનાખોરીનો ભોગ બની શકે છે અથવા તેમની ઊંઘવાના સમયમાં પણ ફેરફાર થઇ શકે છે. આ ડ્રાફ્ટ કાયદામાં બે કલમો છે, જેમાં ‘15 વર્ષથી ઓછી વયના સગીરો માટે ઓનલાઈન સોશિયલ મીડિયા સર્વિસને ગેરકાયદે ઠેરવાશે અને સેકન્ડરી સ્કૂલ્સના વિદ્યાર્થીઓ સામે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે.’













