વિદેશી પ્રવાસીઓમાં સમુદ્ર કિનારાના પર્યટક સ્થળ તરીકે જાણીતા થાઇલેન્ડમાં ગત વર્ષે પ્રવાસીઓના આગમનમાં દસકામાં પ્રથમવાર ઘટાડો નોંધાયો હતો.
2025માં પ્રવાસીઓની સંખ્યા ઘટીને 33 મિલિયન નોંધાઈ હતી, જે વાર્ષિક 7.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ આંકડો કોવિડ મહામારી પછી એક દસકામાં ઇન્ટરનેશનલ પ્રવાસીઓમાં પ્રથમ વાર્ષિક ઘટાડો પણ દર્શાવે છે. થાઇલેન્ડ માટે ગત વર્ષની શરૂઆત ખરાબ થઈ હતી. અભિનેતા વાંગ ઝિંગનું થાઇલેન્ડથી અપહરણ કરવામાં આવ્યા પછી અને પડોશી મ્યાનમારમાં એક કૌભાંડની અસર પણ થાઇલેન્ડ પર પડી હતી, જેના કારણે ચીનના ઘણા પર્યટકોએ તેમનો પ્રવાસ રદ્દ કર્યો હતો. પછી મ્યાનમારમાં સદીના સૌથી મોટા ભૂકંપને કારણે પણ થાઇલેન્ડ હચમચી ગયું હતું. આ ઉપરાંત કંબોડિયા સાથે લોહિયાળ સરહદ ઘર્ષણ, દક્ષિણમાં ભારે પૂર અને નવી સરકારમાં રાજકીય કટોકટીની અસર પણ પ્રવાસન પર થઇ હતી. તાજેતરમાં ટુરિઝમ અને સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, દેશમાં વિદેશી મુલાકાતીઓની યાદીમાં 4.5 મિલિયન સાથે મલેશિયનો ટોચ પર છે, ત્યાર પછી 4.47 મિલિયન ચીની પ્રવાસીઓ અને 2.5 મિલિયન ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ ડેટા પ્રમાણે, રશિયન પ્રવાસીઓ 1.9 મિલિયન સાથે ચોથા ક્રમે છે અને ત્યાર પછીના સ્થાને 1.6 મિલિયન સાથે સાઉથ કોરિયનો છે. મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, ગત વર્ષે વિદેશી પર્યટકો દ્વારા થયેલી ટુરિઝમ આવક $47.6 બિલિયન હતી, જે વાર્ષિક ધોરણે 4.7 ટકા ઓછી છે. મુલાકાતીઓ અને સ્થાનિક પ્રવાસીઓ દ્વારા થતી કુલ પર્યટન આવક 2.7 ટ્રિલિયન બાથ નોંધાઈ હતી, જે વાર્ષિક ધોરણે 1.3 ટકા ઓછી છે.













