બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાન હવે લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લઈ શકશે નહીં. આ અંગે BCCIના સેક્રેટરી દેવજિત સાયકિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કરવા માટે સૂચના આપી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો KKR તેના સ્થાને કોઈ અન્ય ખેલાડીને સામેલ કરવા ઇચ્છશે તો બોર્ડ તેની મંજૂરી આપશે. બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાનની માલિકીની કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2026 માટે યોજાયેલા મિની ઓક્શનમાં રૂ. 9.20 કરોડમાં મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ, 2024માં શેખ હસીના સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે અને અનેક હિંસક ઘટનાઓ બની છે. તાજેતરમાં બે હિન્દુઓની નિર્મમ હત્યા બાદ ભારતમાં બાંગ્લાદેશ સામે વિરોધ જોવા મળી રહ્યો છે.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 મુદ્દે BCCI બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા અંગે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત ચર્ચા કરી રહી છે. બાંગ્લાદેશની ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના મુકાબલા કોલકાતા અને મુંબઈમાં રમવાના છે. બોર્ડને વિશ્વાસ છે કે ખેલાડીઓના વિઝા બાબતે કોઈ મોટી અડચણ ઊભી થશે નહીં.
મુસ્તફિઝુર રહેમાને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે મેચો રમી છે. 30 વર્ષના મુસ્તફિઝુરે અત્યાર સુધી 60 IPL મેચોમાં 28.44ની સરેરાશ અને 8.13ની ઇકોનોમી રેટ સાથે કુલ 65 વિકેટ ઝડપી છે.














