(PMO via PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 11 જાન્યુઆરીએ રાજકોટ શહેરમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન રવિવારે જણાવ્યું હતું કે વિશ્વમાં ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, ત્યારે ભારત અભૂતપૂર્વ નિશ્ચિતતા અને રાજકીય સ્થિરતાના યુગનું સાક્ષી બની રહ્યું છે અને રોકાણકારોએ દેશમાં રોકાણ કરવાની વિવિધ તકોનો લાભ લેવો જોઇએ.

તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં ભારતે ખૂબ જ ઝડપી પ્રગતિ કરી છે અને ગુજરાતે આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને જે આંકડા બહાર આવી રહ્યાં છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ સતત વધી રહી છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કોન્ફરનમાં અમેરિકા, યુરોપ સહિતના ૧૬ દેશોના ૧૧૦થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લઈ રહ્યાં છે. તેમાં ૧,૫૦૦થી વધુ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. VGRCમાં રિવર્સ બાયર સેલર મીટ (RBSM) દરમિયાન ૧,૮૦૦થી વધુ બિઝનેસ મીટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં ઉભરતી આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક તકોને ઉજાગર કરવાનો હતો. ઉત્તર ગુજરાત ક્ષેત્ર માટે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ ઓક્ટોબર 2025માં યોજાઈ હતી. રાજ્ય સરકારે 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટની 11મી આવૃત્તિ પહેલા રાજ્યના ચાર અલગ અલગ પ્રદેશોમાં ચાર VGRCનું આયોજન કરવાની યોજના બનાવી છે.

આ પ્રાદેશિક સમિટ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની શક્તિઓને ઉજાગર કરવા, નવા રોકાણો આકર્ષવા અને સ્થાનિક પ્રોડક્ટ્સ માટે વૈશ્વિક બજારો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉદ્દેશ છે. સમગ્ર કોન્ફરન્સ અને પ્રદર્શન 26,400 ચોરસ મીટરના વિસ્તારમાં યોજાઈ હતી. બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન B2B અને B2G મીટિંગ્સ, એક પ્રદર્શન, ક્ષેત્ર-વિશિષ્ટ સેમિનાર અને રિવર્સ ખરીદનાર-વેચાણકર્તા મીટિંગ્સ યોજાશે.

આ રિજનલ સમીટનો હેતુ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય સ્તરે સ્થાનિક પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવાનો અને જિલ્લાઓમાં રોકાણ મેળવવા માટે દરેક ક્ષેત્રની શક્તિઓને બહાર લાવવાનો છે.

LEAVE A REPLY