
આગામી મહિનાથી ભારતમાં યોજાનારી ટી-20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કરવાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ મોટો નિર્ણય કર્યો હતો. અગાઉ બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો અને આ ટુર્નામેન્ટની તેની મેચો શ્રીલંકામાં ખસેડવાની વિનંતી કરી હતી, જેને આઇસીસીએ ફગાવી દીધી હતી.
સાત ફેબ્રુઆરીથી ચાલુ થતાં ટી-20 વર્લ્ડકપમાં તેની મેચો ભારત બહાર ખસેડવાની વિનંતીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ફગાવી દીધા પછી બાંગ્લાદેશે ગુરુવારે જણાવ્યું હતું કે તે આ ટુર્નામેન્ટ રમવા માટે ભારતનો પ્રવાસ કરશે નહીં.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ તથા યુવા અને રમત સલાહકાર આસિફ નજરુલ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય કર્યો હતો. અગાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે BCBને 24 કલાકનું અલ્ટીમેટમ આપીને જણાવ્યું હતું કે ભારતની મુસાફરી કરવા માટે સંમત થાઓ અથવા રિપ્લેસમેન્ટનું જોખમ લો. જોકે બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરુલે રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ સાથેની બેઠક બાદ આક્રમક વલણ અપનાવતા જાહેરાત કરી હતી કે ICCનું વલણ તેમને સ્વીકાર્ય નથી. ક્રિકેટરોએ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે સખત મહેનત કરી છે, ત્યારે ભારતમાં રમવા અંગે સુરક્ષા જોખમ યથાવત છે. આ ચિંતા કાલ્પનિક વિશ્લેષણ આધારિત નથી. તે ટુર્નામેન્ટ રમવા માટે ઉત્સુક છે, પરંતુ ભારતમાં નહીં. તે લાંબા સમયથી ચાલી રહેલા મડાગાંઠનો ઉકેલ શોધવા માટે ICC સાથે સંપર્કમાં રહેશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદની શરૂઆત આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનના સમાવેશના મુદ્દે ચાલુ થઈ હતી. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાયના લોકોને ખાસ નિશાન બનાવી તેમના ઉપર જીવલેણ હુમલાના બનાવો સતત બની રહ્યા છે. ફક્ત ભારત નહીં, વિદેશી સરકારોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કર્યા છતાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર આ મુદ્દે કોઈ સંતોષકારક પગલાં નહીં લેતી હોવાના કારણે ભારતમાં કેટલાક લોકોએ બાંગ્લાદેશી ક્રિકેટરના ભારતમાં આઈપીએલમાં રમવા સામે વિરોધ શરૂ કર્યો હતો. વિવાદમાં મૂળભૂત રીતે તો રહેમાનની કેકેઆર ટીમના માલિક શાહરૂખ ખાનને પણ ભીંસમાં લેવાયો હતો. આખરે વિવાદ વકરતાં ભારતીય ક્રિકેટ બોર્ડે કોલકાતા નાઈટ રાઈડર્સને સૂચના આપી હતી કે, મુસ્તફિઝુરને ટીમમાંથી વિદાય કરી દેવામાં આવે. કેકેઆરને રહેમાનને આ મુદ્દે જાણ કર્યા પછી બાંગ્લાદેશના ઉશ્કેરાટની શરૂઆત થઈ હતી અને તેને ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો.











