માર્ક ટુલી
(ANI Archive/ANI Video Grab)

મશહૂર પત્રકાર અને લેખક સર માર્ક ટુલીનું રવિવાર, 25 જાન્યુઆરીએ નવી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં  નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. એવોર્ડ વિજેતા પત્રકાર છેલ્લા કેટલાંક સમયથી બીમાર હતાં અને તેમને 21 જાન્યુઆરીએ દક્ષિણ દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં નેફ્રોલોજી વિભાગના વડા હેઠળ દાખલ કરાયા હતાં.
ભારતના સ્વતંત્રતા પછીના બીબીસીના સંવાદદાતા તરીકે ભારતીય ઇતિહાસના કેટલાંક ઐતિહાસિક પ્રસંગોના કવરેજ માટે તેઓ સમગ્ર ભારતમાં જાણીતા બન્યાં હતાં.

માર્ક ટુલીના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પત્રકારત્વના એક બુલંદ અવાજ સર માર્ક ટલીના નિધનથી દુઃખ થયું. ભારત અને આપણા દેશના લોકો સાથે તેમનો સંબંધ તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થયો હતાં. તેમના રિપોર્ટિંગ અને આંતરદૃષ્ટિએ જાહેર ચર્ચા પર કાયમી છાપ છોડી છે. તેમના પરિવાર, મિત્રો અને ઘણા પ્રશંસકો પ્રત્યે સંવેદના.

૨૪ ઓક્ટોબર, ૧૯૩૫ના રોજ કલકત્તા (હવે કોલકાતા)માં જન્મેલા ટુલી ૨૨ વર્ષ સુધી નવી દિલ્હીમાં બીબીસીના બ્યુરો ચીફ રહ્યાં હતાં. એક જાણીતા લેખક ટલી બીબીસી રેડિયો-4ના કાર્યક્રમ ‘સમથિંગ અન્ડરસ્ટુડ’ના પ્રસ્તુતકર્તા હતાં. તેઓ ભારત અને બ્રિટિશ રાજથી લઈને ભારતીય રેલ્વે સુધીના વિષયો પર બનેલી અનેક દસ્તાવેજી ફિલ્મોનો પણ ભાગ હતાં.
ટુલીને 2002માં નાઈટની ઉપાધિ અને 2005માં ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાય હતાં. તેમણે ભારત પર અનેક પુસ્તકો લખ્યાં હતાં, જેમાં ‘નો ફુલ સ્ટોપ ઇન ઇન્ડિયા’, ‘ઇન્ડિયા ઇન સ્લો મોશન’ અને ‘ધ હાર્ટ ઓફ ઇન્ડિયા’નો સમાવેશ થાય છે.

તેમણે ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધથી ૧૯૭૫-૭૭ની કટોકટી, ૧૯૭૯માં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ફાંસી, ઓપરેશન બ્લુ સ્ટાર, ઇન્દિરા ગાંધીની હત્યા અને ૧૯૮૪માં  શીખ વિરોધી રમખાણો, ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા અને ૧૯૯૨માં બાબરી મસ્જિદનો ધ્વંસ સહિતની ઐતિહાસિક ઘટનાઓનું કવરેજ કર્યું હતું.

LEAVE A REPLY