ભારતમાં એકાએક કોરોના વાયરસની બીમારીના કેસમાં એકાએક ઉછાળો આવ્યો હતો અને આંકડો 28 પર પહોંચ્યો હતો. રાજસ્થાનમાં ફરવા આવેલા ઈટાલીના 16 નાગરિકો સહિતના અન્યને આ બીમારી હોવાનું જાહેર થતાં તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, હવેથી ભારતમાં આવતી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટોના પેસેન્જરોનું સ્ક્રીનિંગ ફરજિયાત બનાવી દેવાયું છે. અગાઉ, 12 દેશો માટે આ નિયમ લાગુ કરાયો હતો.
વિદેશોમાં ૧૭ ભારતીયો કોરોનાગ્રસ્ત હોવનું વિદેશ મંત્રાલયે કહ્યું છે. જાપાનના ક્રૂઝ શિપમાંથી ૧૬ કેસો બહાર આવ્યા છે, જ્યારે યુએઈથી એક ભારતીય તેમાં સામેલ છે. લોકસભામાં લેખિત ઉત્તરમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને કહ્યું હતું કે સરકારે ચીનમાંથી ૭૬૬ લોકોને બહાર કાઢ્યા છે જેમાંથી ૭૨૩ ભારતીયો અને ૪૩ વિદેશી નાગરિક પણ સામેલ છે. એ જ રીતે ૧૧૯ ભારતીયોને જાપાનમાં અલગ રખાયેલા ક્રૂઝ શિપમાંથી લાવવામાં આવ્યા છે. જે લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જણાયું છે તે તમામને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા દિલ્હી નજીક ચાવલામાં ઊભી કરાયેલી ક્વોરેન્ટીન ફેસિલિટીમાં સારવાર અપાઈ રહી છે.
ઈટાલીના પ્રવાસીઓ ઉપરાંત, દિલ્હીના એક નાગરિક સહિત તેના છ પરિવારજનોને પણ કોરોના બીમારી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ મોત આ બીમારીને કારણે થયાં છે. હર્ષવર્ધને કહ્યું કે, દિલ્હીના નાગિરકની તપાસ કરવામાં આવી ત્યારે પોઝિટીવ સાબિત થયો હતો. તે પછી તેના છ પરિવારજનોને પણ આ બીમારી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
હોળીના તહેવાર આડે માંડ એક સપ્તાહ રહ્યું છે ત્યારે નિષ્ણાતોએ ટોળાંબંધ એકત્ર થવા સામે ચેતવણી ઉચ્ચારી છે. નિષ્ણાતોની સલાહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની કેબિનેટ તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે હોળીનો તહેવાર ન ઉજવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવને પણ આ વર્ષે હોળીનાં તમામ મિલનો રદ કરી દીધાં છે. દરમિયાન, મંગળવારે ત્રણ બાળકો સહિત નોઈડાના છ લોકોને તપાસ હેઠળ લવાયા હતાં જેમના ટેસ્ટ બુધવારે નેગેટીવ આવ્યા છે. નોઈડાના આ પરિવારે દિલ્હીના એક દર્દીને ત્યાં પાર્ટીમાં ભાગ લીધો હતો.