વિશ્વમાં ખ્રિસ્તીઓના તહેવાર ઈસ્ટર પ્રસંગે પોપે પણ કોરોના સામેની લડતમાં લોકોને ઘરોમાં જ રહવેની ભલામણ કરતાં ઈસ્ટરના રવિવારની ઊજવણી ઝાંખી પડી છે. આવા સમયે યુરોપમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 75,000ને પણ વટાવી ગયો છે. અમેરિકામાં પણ વધુ એક દિવસ 24 કલાકમાં 1900થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 21,407 થયો છે. આ સાથે સમગ્ર વિશ્વમાં કોરોનાથી કુલ 1,11,724નાં મોત થયા છે જ્યારે 18,06,440 કેસ નોંધાયા છે. જ્યારે 4,13,222 લોકો સાજા થયા છે.
યુરોપમાં સામાન્ય રીતે ઈસ્ટરની ઊજવણીમાં લાખો લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા માટે એકત્ર થયા હોય છે ત્યારે હાલ કોવિડ-19ના કારણે પોપે લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપી હતી. પરિણામે ઈટાલીથી લઈને પનામા અને ફિલિપાઈન્સ સુધી ચર્ચો ખાલી રહ્યા હતા. હાલ લગભગ અડધું વિશ્વ અંદાજે 4 અબજ લોકો લોકડાઉન છે.
કોરોના વાઈરસની સૌથી ગંભીર અસર યુરોપ પર જોવા મળી છે જ્યાં રવિવારે કુલ મૃત્યુઆંક 75,000થી વધુ થઈ ગયો હતો. યુરોપમાં કોરોનાથી સૌથી વધુ ઈટાલીમાં 19,468, સ્પેનમાં 16,972, ફ્રાન્સમાં 13,832, બ્રિટનમાં 10,612 જ્યારે જર્મનીમાં 2,907 લોકોનાં મોત નીપજ્યાં છે.
બ્રિટનમાં રાહતના સમાચાર એ છે કે વડાપ્રધાન બોરિસ જ્હોનસનને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે જ્હોન્સનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમને આઈસીયુમાં દાખલ કરાયા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, પરંતુ તેઓ તુરંત કામ પર પાછા નહીં ફરે.
યુરોપ ઉપરાંત અમેરિકા કોરોનાના સૌથી મોટા હોટસ્પોટ તરીકે ઊભરી આવ્યું છે. અમેરિકામાં શુક્રવારે 2,000થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં ત્યારે શનિવારે પણ અહીં 1900થી વધુનાં મોત નીપજ્યાં હતાં. આમ એક જ દિવસમાં સૌથી વધુ મોતની બાબતમાં અમેરિકાએ ઈટાલીને પણ પાછળ પાડી દીધું છે. અમેરિકામાં 1900થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 21,407 થયો છે જ્યારે કુલ કેસની સંખ્યા 5,35,385 થઈ ગઈ છે. આમ, કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યામાં અમેરિકા સૌથી ટોચ પર છે.
અમેરિકાના યુએએસ થિયોડોર રુઝવેલ્ટ વિમાનવાહક જહાજમાં પણ અંદાજે 4,800 સભ્યોમાંથી 10 ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે. અમેરિકન નૌકાદળના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચાલક દળના 92 ટકા લોકોની તપાસ કરાઈ છે. અત્યાર સુધીમાં 550 લોકો સંક્રમિત હોવાનું જણાયું છે અને 3673 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
દરમિયાન ભારતમાંથી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની એક ખેપ શનિવારે અમેરિકા પહોંચી હતી. આ દવાને કોવિડ-19ની સારવાર માટેની સંભવિત દવા તરીકે જોવામાં આવે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી પર આ સપ્તાહની શરૂઆતમાં ભારતે અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની 35.82 લાખ ટેબ્લેટ્સની નિકાસને મંજૂરી આપી હતી.
બીજીબાજુ ભારત તરફથી બ્રિટનમાં મોકલવામાં આવેલા પેરાસિટામોલના 30 લાખ પેકેટની પહેલી ખેપ રવિવારે બ્રિટન પહોંચી હતી. બ્રિટિશ સરકારે પણ કોરોના વાઈરસ સામે લડવા માટે પ્રતિબંધ છતાં તેમને પેરાસિટામોલની નિકાસ કરવા બદલ ભારતનો આભાર માન્યો હતો.
વધુમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર ફેલાવનારા ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 100થી વધુ નવા કેસ સામે આવતાં કોરોના ફરી ચીનમાં માથું ઉંચકી રહ્યો હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહની સરખામણીમાં તાજેતરનો આ આંકડો સૌથી વધુ છે. નવા કેસ સામે આવતાં ચીનમાં કોરોનાના કેસની સંખ્યા 82,052 થઈ ગઈ છે.