આઈસીયુમાં ત્રણ દિવસ અને હોસ્પિટલમાં સાત દિવસ ગાળ્યા બાદ પોતાના નિવાસે આરામ કરનાર વડાપ્રધાન બોરીસ જ્હોન્સન કોરોનાવાયરસ કટોકટી પર નિયંત્રણ મેળવવા માટે સોમવારથી પાછા મેદાનમાં આવી જશે અને આવતા અઠવાડિયે મંત્રીઓ સાથે મીટિંગ પણ ગોઠવી છે.
બોરીસ જ્હોન્સનની એવી છાપ છે કે તેઓ નવરા બેસી રહે તેમાંના વ્યક્તિ નથી અને ગયા અઠવાડિયાથી કામ કરી રહ્યા છે. બુધવારે રાત્રે તેમણે મહારાણી, ફર્સ્ટ સેક્રેટરી અને ટેન ડાઉનીંગ સ્ટ્રીટના સ્ટાફ સાથે ટેલિફોન પર વાત પણ કરી હતી. તેમને સરકારી કામો વિષે નિયમિત અપડેટ્સ મોકલવામાં આવી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે બોરીસ જ્હોન્સન સાથે કરેલી વાતનો ઉલ્લેખ કરતા કેટલીક વિગતો જાહેર કરતાં કહ્યું હતુ કે ‘’બોરિસ તીક્ષ્ણ અને શક્તિશાળી લાગે છે. તે અકલ્પનીય લાગ્યા અને જબરદસ્ત ઉર્જા અને ડ્રાઇવ જોવા મળ્યા હતા. તે અમારો અને મારો મિત્ર છે. તે આપણા દેશને પ્રેમ કરે છે અને તેના દેશને ખૂબ ચાહે છે.’’
વરિષ્ઠ ટોરી નેતાઓએ ચેતવણી આપી હતી કે પ્રતિબંધો વ્યવસાયને ‘વધસ્તંભે’ ચઢાવે છે અને આવતા પખવાડિયામાં છૂટછાટ શરૂ કરવી જોઈએ. કેટલીક કંપનીઓએ બિઝનેસ શરૂ કરી રહી છે. બી એન્ડ ક્યૂએ તેના 155 સ્ટોર્સ ફરીથી ખોલ્યા છે. હિથ્રોના વડાએ ફ્લાઇટ્સ દ્વારા આવતા મુસાફરોના સામૂહિક સ્ક્રીનિંગની માંગ માટે હેનકોકને પત્ર લખ્યો છે. જીવલેણ બીજા ઉથલાને રોકવા પોઝીટીવ જણાનાર દરેકના બધા સંપર્કોને શોધી કાઢવા માટે 18,000 સત્તાવાર ‘ટ્રેકર્સ’ના સૈન્યની ભરતી કરવામાં આવી રહી છે.