યુરોપિયન પાર્લામેન્ટે એક ઠરાવ પસાર કરી આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોઇડના પોલીસ અટકાયત દરમિયાન મૃત્યુ અને તમામ પ્રકારના રેસિઝમને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. આ ઠરાવ રંગભેદ વિરુદ્ધના દેખાવો દરમિયાન અમેરિકન પોલીસની કાર્યવાહીની પણ ટીકા કરવામાં આવી છે. શુક્રવારે મોડી રાત્રે એક નિવેદનમાં પાર્લામેન્ટે આ ઠરાવ કર્યો હતો.
પાર્લામેન્ટમાં શુક્રવારે 493 મત સાથે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પાર્લામેન્ટના સભ્યોએ અમેરિકન એડમિનિસ્ટ્રેશન સમક્ષ રેસિઝમ અને અસમાનતા વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરીને જણાવ્યું હતું કે, પાર્લામેન્ટ શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહેલા લોકો અને પત્રકારો ઉપર પોલીસની હિંસક કાર્યવાહીને પણ સખત રીતે વખોડે છે.
જો કે, પાર્લામેન્ટે કેટલાક હિંસક દેખાવકારો દ્વારા લૂંટફાટ, આગચંપી, તોડફોડ અને જાહેર તથા ખાનગી મિલકતોને નુકસાન કરવાની ઘટનાઓની પણ ટીકા કરી છે. પાર્લામેન્ટે જણાવ્યું છે કે, કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને એડમિનિસ્ટ્રેશન દ્વારા યોગ્ય રીતે પ્રયત્નો થવા જોઇએ.
આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોઇડ પર નકલી ડોલરના ઉપયોગનો આરોપ હતો. પછી તેનું પોલીસના હાથે મૃત્યુ થયું હતું. તેનો વીડિયો વાયરલ થયા પછી પોલીસની ક્રુરતા અને સામાજિક અન્યાય વિરુદ્ધ વિશ્વના અનેક દેશોમાં દેખાવો થયા હતા.














