છેલ્લા ૨૪ કલાક દરમિાયન કોરોના વાયરસના સંક્રમણે દેશમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના જેટલા કેસ નોંધાયા છે તેટલા અત્યાર સુધીમાં પહેલા ક્યારેય નથી નોંધાયા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ દેશમાં કોરોના વાયરસના કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૩ લાખની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધારે ૪૯૩૧૦ કેસ નોંધાતા કુલ કેસ ૧૨૮૭૯૪૫ સુધી પહોંચી ગયો છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.93 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં ૩૪૬૦૨ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૮૧૭૨૦૯ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા બમણો થઈ ગયો છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં ૭૪૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૩૦૬૦૧ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૪૪૦૧૩૫ એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૩૪૭૫૦૨ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૨૮૫૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૯૨૯૬૪ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૩૨૩૨ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૨૭૩૬૪ કેસ નોંધાયા છે જ્યારે ૩૭૪૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.
કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૮૦૮૬૩ કેસ નોંધાયા છે જ્યારે ૧૬૧૬ લોકોના મોત થયા છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ ૭૨૭૧૧ કેસ સાથે પાંચમાં અને ઉત્તર પ્રદેશ ૫૮૧૦૪ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે. જ્યારે સાતમાં ક્રમાંક પર ગુજરાતમાં ૫૨૫૬૫ લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી ૨૨૫૭ લોકો મોતને ભેટી ચૂક્યા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૧૫૪૯૫૯૪૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૬૩૨૯૧૮ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૮૭૯૮૩૯૮ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૬૦૬૪૬૩૧ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.