ભારતમાં કોરોના મહામારીની સિૃથતિ હજી પણ ગંભીર છે. છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં ત્રીજી વખત કોરોનાના દૈનિક કેસનો આંકડો 50,000થી ઉપર નોંધાતા મંગળવારે કોરોનાના કુલ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ ગઈ છે.
દેશમાં મંગળવારે 24 કલાકમાં કોરોનાના નવા 50,788 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 788નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 15,28,516 થઈ ગઈ છે, જેમાંથી 9,84,516 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાનો કુલ મૃત્યુઆંક 34,180 થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. બીજીબાજુ કેન્દ્ર સરકારે અનલૉક-3ની માર્ગદર્શિકા તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે, જે મુજબ 1લી ઑગસ્ટથી િથયેટરોને ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
ભારતમાં કોરોનાની વકરતી સિૃથતિ વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ચાર લાખની નજીક પહોંચી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 3.91 લાખને પાર થયા છે જ્યારે મૃત્યુઆંક 14,165 થયો છે. કોરોનાના એક લાખથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ (1,10,297) અને કર્ણાટક (1,07,001)નો ઉમેરો થયો છે. તમિલનાડુ અને દિલ્હીમાં કોરોનાના કુલ કેસ અનુક્રમે 2.27 લાખ અને 1.32 લાખ છે.
જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, કોરોના સામેની ભારતની લડત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર વધુ ઘટીને 2.25 ટકા થયો છે, જે 18મી જૂને 3.33 ટકા હતો જ્યારે રિકવરી રેટ વધીને 64 ટકા થયો છે, જે જૂનની મધ્યમાં 53 ટકા જેટલો હતો. વિશ્વમાં ભારતનો કોરોનાનો મૃત્યુદર સતત નીચો રહ્યો છે.
દેશમાં મંગળવારે એક દિવસમાં કોરોનાના 36,813થી વધુ દર્દીઓ સાજા થયા હતા. આ સાથે કુલ 9.84 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે, જે દર્શાવે છે કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ કરતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી છે. દેશમાં એક સપ્તાહ કરતાં વધુ સમયમાં દૈનિક 30,000થી વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.
કોરોના સામેની લડતમાં ‘ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ’ની વ્યૂહરચનાને અનુસરતાં ભારતે સતત બીજા દિવસે એક દિવસમાં કોરોનાના પાંચ લાખથી વધુ ટેસ્ટિંગ કર્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1.73 કરોડથી વધુ સેમ્પલ્સનું કોરોના ટેસ્ટિંગ થયું છે. વધુમાં ભારતમાં પ્રતિ 10 લાખની વસતી કોરોનાના ટેસ્ટનો દર વધીને 12,562 થયો છે.
દરમિયાન એક જાણિતા વાયરોલોજિસ્ટ ડૉ. અમિતાભ નંદીએ મંગળવારે જણાવ્યું હતું કે, કોરોના સામેની લડતમાં પશ્ચિમ બંગાળ સરકાર નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં એપ્રિલથી કોરોનાનો કોમ્યુનિટી પ્રસાર શરૂ થઈ ગયો છે.
નંદીના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં એપ્રિલના પ્રારંભથી કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે અને દિવસે ને દિવસે સિૃથતિ વધુ કથળી રહી છે. પશ્ચિમ બંગાળ દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં સાતમા ક્રમે છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 62,964 નોંધાઈ છે જ્યારે મૃત્યુઆંક 1,449 થયો છે.