બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે વિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે. ફ્યૂચરબ્રાન્ડ ઈન્ડેક્સ 2020 પર પ્રથમ ક્રમે અમેરિકાની એપલ કંપની છે અને રિલાયન્સ બીજા ક્રમે છે. ફ્યૂચરબ્રાન્ડે 2020 ઈન્ડેક્સ જાહેર કરતા કહ્યું હતું કે આ વર્ષે સૌથી મોટી એન્ટ્રન્ટ નં.2 છે જે છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ. રિલાયન્સે દરેક માપદંડમાં ખૂબ જ સારી પ્રગતિ કરી છે.
ફ્યૂચરબ્રાન્ડે કહ્યું છે કે ભારતની સૌથી વધુ નફો કરતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખૂબ જ સન્માનિત કંપની છે અને એથિકલી બિઝનેસ કરી રહી છે અને સતત ગ્રોથ કરી રહી છે. સતત ઈનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કરી રહી છે અને ખૂબ સારી કસ્ટમર સર્વિસ પણ પૂરી પાડી રહી છે. ખાસ કરીને લોકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે મજબૂત ભાવનાત્મક કનેક્શન ધરાવે છે.
તેણે વધુમાં કહ્યું કે મુકેશ અંબાણીએ કંપનીને ભારતીયો માટે વન-સ્ટોપ-શોપ તરીકે રિસ્ટ્રક્ચર કરી તેમને રિલાયન્સની સફળતાનો શ્રેય જાય છે. મુકેશ અંબાણીએ ઓઈલ-પેટ્રોકેમિકલ બિઝનેસમાં રહેલી આ કંપનીમાં જબરદસ્ત પરિવર્તન લાવીને તેને ડિજિટલ જાયન્ટ કંપની બનાવી દીધી છે.
આજે રિલાયન્સ એનર્જી, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, નેચરલ રિસોર્સિસ, રિટેલ, અને ટેલિકોમ જેવા અનેક સેક્ટરમાં મજબૂત બિઝનેસ કરતી થઈ ગઈ છે. તેણે કહ્યું કે હવે ગૂગલ અને ફેસબુક જેવી વર્લ્ડ ક્લાસ કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદી રહી છે ત્યારે રિલાયન્સ આગામી ઈન્ડેક્સમાં ટોચનું સ્થાન મેળવી લેશે તેવું જણાય છે.