અમેરિકાના જાણીતા મેગેઝિન ફોર્બ્સની ભારતના ધનિકોની યાદીમાં સતત તેરમાં વર્ષે મુકેશ અંબાણી ટોચ પર હતા. કોરોના કાળની મુકેશ અંબાણીની સંપત્તિ પર કોઇ પ્રતિકૂળ અસર થઇ નથી. આ વર્ષે તેમની સંપત્તિમાં 37.3 બિલિયન ડોલરનો વધારો થયો છે. ભારતના ટોચના દસ ધનિકોમાં પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સાઇરસ પુનાવાલાની એન્ટ્રી થઈ છે. પુનાવાલાની કુલ સંપત્તિ 11.5 અબજ ડોલર છે.
મેગેઝિનના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 88.7 અબજ ડોલર છે. બીજા ક્રમે ગૌતમ અદાણી છે જેમની સંપત્તિ 25.2 અબજ ડોલરની હતી. ત્રીજા ક્રમે આઇટી કંપની એચસીએલના શિવ નાદર છે, જેમની કુલ સંપત્તિ 20.4 અબજ ડોલર છે. ચોથા ક્રમે ડી માર્ટના માલિક રાધાકિસન દામાણીનું નામ છે. દામાણીની કુલ સંપત્તિ 15.4 અબજ ડોલર છે. પાંચમા ક્રમે હિન્દુજા ભાઇઓ છે, જેમની કુલ સંપત્તિ 12.8 અબજ ડોલર છે.
ટોચના દસ ધનિકોમાં સાતમાં ક્રમે પાલોનજી મિસ્ત્રી (11.4 અબજ ડોલર્સ), આઠમાં ક્રમે ઉદય કોટક (11.3 અબજ ડૉલર્સ), નવા ક્રમે ગોદરેજ પરિવાર (11 અબજ ડોલર્સ ) અને દસમાં ક્રમે લક્ષ્મી મિત્તલ (10.3 અબજ ડોલર્સ)નો સમાવેશ પણ છઠ્ઠાથી દસમા ક્રમના શ્રીમંતો તરીકે થયો હતો. આ યાદીમાં વિનોદ સર્રાફ, ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગોઇ, પ્રેમચંદ્ર ગોધા, અરુણ ભરતરામ અને આરજી ચંદ્રર્મોગનનો પણ આ યાદીમાં સમાવેશ થયો હતો.
આ વર્ષે ફોર્બ્સની યાદીમાં કેટલાંક નવાં નામો ઉમેરાયાં છે. આવાં નામોમાં સંજીવ બીકચંદાની, રિલેક્સો ફૂટવેરના રમેશ કુમાર અને મુકુંદલાલ દુઆ, ઝેરોધા બ્રોકિંગના નીતિન અને નિખિલ કામત અને જીઆરટી જ્વેલર્સના રાજેન્દ્રનો સમાવેશ થયો છે.