વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની આઠ નવેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાન મોદી આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે.
સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટરસાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલાં સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માગી લેનારું હતું. આમ, આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
રો-પેક્સ ફેરીનું હાલ ઓનલાઈન બુકિંગ ચાલી રહ્યું છે. શરૂઆતના 24 કલાકમાં જ 3800 યાત્રી અને 1700 વાહનનું બુકિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઇન્ડિગો સીએ બુકિંગ શરૂ કર્યાના 24 કલાકમાં જ 3800 પેસેન્જરે બુકિંગ કરાવ્યું છે. એ સાથે 800 કાર, 400 બાઇક અને 500 ગુડ્ઝ ટ્રકનું બુકિંગ થઈ ગયું છે. એ સાથે 12 હજાર ઇન્કવાયરી પણ મળી છે.
અગાઉ રો-પેક્સ ફેરીની યોજાયેલી ટ્રાયલમાં નિષ્ફળતા મળી હતી. મુસાફરી ચાર કલાકની જગ્યાએ નવ કલાકમાં પૂર્ણ થઇ હતી. મધદરિયે જહાજના ઇલેક્ટ્રિક સર્કિટમાં ખામી આવવાની સાથે રો-પેક્સ ધીમી પડી ગઈ હતી. રો-પેક્સ ભાવનગરના ઘોઘાથી સવારના નવ વાગ્યે ઊપડી હતી અને સુરતના હજીરા બપોરના એક વાગ્યે પહોંચવાની હતી. દરિયાની વચ્ચે અચાનક ઇલેક્ટ્રિક સર્કિટમાં ખામી સર્જાઈ અને ટ્રાન્સમિશન પેનલ ખોરવાઈ હતી, જેથી નવ કલાકે હજીરા પહોંચી હતી.