નુકસાનકારક કોરોનાવાયરસ પ્રતિબંધોને પગલે યુકેના લગભગ ત્રીજા ભાગના પબ અને રેસ્ટોરન્ટ્સ આવતા વર્ષે કાયમી ધોરણે બંધ થઇ જશે એવો ભય સેવાઇ રહ્યો છે તેમ ઇન્ડસ્ટ્રીના સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે.
બ્રિટીશ બીઅર અને પબ એસોસિએશન, બ્રિટીશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇનકીપીંગ અને યુકે હોસ્પિટાલિટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સર્વેક્ષણ કરાયેલા 72 ટકા બિઝનેસીસે “2021માં તેઓ સેવામાં ઉપલ્બ્ધ નહિ રહે અથવા તો બંધ થવાની અપેક્ષા રાખે છે”.
માર્કેટ રિસર્ચ કંપની સીજીએ દ્વારા કરાયેલા આ સર્વેમાં એમ પણ દર્શાવ્યું છે કે પબ અને અન્ય હોસ્પિટાલીટી વ્યવસાય યુકે સરકાર વધુ ટેકો પૂરો પાડે તેવી માંગ કરે છે. સીજીએએ નવેમ્બર દરમિયાન દેશભરમાં 20,000 થી વધુ સ્થળોનું પ્રતિનિધિત્વ કરતા 446 બિઝનેસીસ પાસે મત માંગ્યો હતો.
ત્રણેય વેપાર સંગઠનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘’સરકારના પ્રતિબંધો હોસ્પિટાલીટી અને પબ વ્યવસાયો પર પડી રહેલા વિનાશક અને લાંબા ગાળાની અસરના પુરાવા અહીં જોવા મળ્યા છે.
અભિગમમાં કોઈ ફેરફાર અને સરકારના વધુ ટેકા વિના, અમારા ક્ષેત્રનો મોટો ભાગ એક વર્ષમાં નાબુદ થઈ શકે છે. તેનો અર્થ એ છે કે તેઓ વ્યવસાયો અને નોકરીઓ ગુમાવશે અને લોકોને પ્રિય સ્થળો કાયમ માટે બંધ થશે.”
આ જોખમને ટાળવા અને મદદ કરવા માટે, સરકારે માર્ચના અંત સુધી કામદારોના મોટાભાગના વેતનની ચૂકવણી કરીને તેની ફર્લો જોબ્સ સ્કીમ લંબાવીને નવું મલ્ટિ-બિલીયન પાઉન્ડ સપોર્ટ પેકેજ બનાવ્યું છે.