ઓક્સફર્ડ – એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી ચેપનો ફેલાવો ઘટાડે છે. આ રસીના એક ડોઝ પછી પણ સુરક્ષાત્મક અસર સાંપડતી હોવાનું આરોગ્ય પ્રધાન મેટ હેન્કોકે જણાવ્યું હતું. હેન્કોકે જણાવ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકાની રસીની વૃદ્ધો ઉપર અસરકારકતા અંગેની ચર્ચા વચ્ચે ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં રસીની અસરકાકરતા જણાઈ છે. યુરોપિયન મેડીસિન એજન્સીએ તમામ મોટી ઉંમરનાઓને રસી આપવાની ભલામણ કરી છે ત્યારે કેટલાક દેશોએ વૃદ્ધોને આ રસી નહીં આપવા જણાવ્યું છે. જર્મનીએ 65થી ઉપરના, ઇટાલીએ 55 વર્ષથી ઉપરના તથા ફ્રાંસે 65થી ઉપરના લોકો માટે આ રસી નહીં લેવા અથવા અન્ય વિકલ્પની સલાહ આપી છે.
ગત ડિસેમ્બરથી લોકડાઉન હેઠળ રહેલા બ્રિટનમાં 3.8 મિલિયન કોરોનાના કેસ અને 108,013ના મોતના મામલાના પગલે ઓક્સફર્ડની રસી આપવાનો રસીકરણ કાર્યક્રમ સરકારે આરંભ્યો છે. તંત્ર દ્વારા વધુ જોખમવાળા જૂથોને પ્રથમ ડોઝ અને 12 સપ્તાહના ગાળા પછી બીજો ડોઝ અપાય છે.
દરમિયાન ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપના વડા એન્ડ્રયુ પોલાર્ડે કોરોનાની રસીની નવા નવા, વિવિધ સ્ટ્રેઇન સામેની અસરકારકતા અંગે જણાવ્યું હતું કે, નવા સ્ટ્રેઇનથી કેટલાક ફેરફાર થતાં તેનો ફેલાવો વધે છે અને ચેપ આગળ વધી શકે પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણી પાસે કોઈ રક્ષણ જ નથી. રસી રોગના ગંભીરપણામાં તો ઘટાડો કરી જ શકે છે.