ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના ચોથા દિવસે ઓફ સ્પિનર અશ્વિને ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂના એક અનોખા રેકોર્ડની બરોબરી કરી છે.
અશ્વિને ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સના પહેલા જ બોલે ઓપનર રોરી બર્ન્સની વિકેટ ખેરવી હતી. તે રહાણેના હાથમાં કેચ આપી બેઠો હતો. આ સાથે, સો કરતાં પણ વધારે વર્ષ જૂના એક રેકોર્ડની અશ્વિને બરોબરી કરી હતી. ૧૮૮૮માં ઇંગ્લેન્ડના જ સ્પિનર બોબી પીલે ઇનિંગ્સના પહેલા જ બોલે વિકેટ ખેરવવાની સિદ્ધિ નોંધાવી હતી. તેના પછી સાઉથ આફ્રિકન ક્રિકેટર બર્ટ વોગલરે ૧૯૦૭મા આ રેકોર્ડ રીપીટ કર્યો હતો.
આ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગ્સમાં ૧૪૬ રન આપી ૩ વિકેટ લેવામાં અશ્વિને ૫૫.૧ ઓવર નાખી હતી. તેની કારકિર્દીનો આ અત્યાર સુધીનો સૌથી લાંબો સ્પેલ હતો. અશ્વિનનો એક બીજો પણ રેકોર્ડ આ ઈનિંગમાં નોંધાયો હતો, તેણે પોતાની ટેસ્ટ કેરિયરનો પહેલો નો બોલ નાખ્યો હતો.