ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો પર ભાજપના ઉમેદવારો રામભાઈ મોકરિયા અને દીનેશ પ્રજાપતિ (અનાવાડિયા) સોમવાર, 22 ફેબ્રુઆરીએ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ બંને બેઠકો માટે કોંગ્રેસે કોઇ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને અહમદ પટેલના નિધન બાદ બે બેઠકો ખાલી થઈ હતી. આ બેમાંથી એક બેઠક કોંગ્રેસ પાસે હતી.

બે ડમી ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેતા ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. રિટર્નિંગ ઓફિસર સી બી પંડ્યાએ જણાવ્યું હતું કે ભાજપના બે ડમી ઉમેદવારો રજનિકાંત પટેલ અને કિરિટ સોલંકીએ શનિવારે તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા.

આ બંને બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ગુરુવાર, 18મી ફેબ્રુઆરી હતી, પરંતુ કોંગ્રેસે કોઇ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા, કારણ કે તેની પાસે સંખ્યાબળ ન હતું. ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 111 અને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 65 છે.

દિનેશ પ્રજાપતિ ભાજપના ઓબીસી મોરચાના પ્રેસિડન્ટ છે અને રામભાઈ મોકરિયા એક કુરિયર કંપનીના સહ-સ્થાપક છે. દિનેશ પ્રજાપતિ બનાસકાંઠા જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા છે. રામભાઈ મોકરીયા મૂળ પોરબંદરનાં વતની છે અને રાજકોટ ખાતેની મારૂતિ કુરિયરનાં માલિક તથા ભાજપના જુના કાર્યકર્તા છે.