યુકેના કોવિડ-19 રસીકરણ કાર્યક્રમને કારણે મૃત્યુ તો ઘટ્યા છે, પણ સાથે સાથે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે, તેવું રીઅલ-વર્લ્ડ ડેટાના વ્યાપક વિશ્લેષણમાં જણાવ્યું છે.
એક અલગ અભ્યાસની જાહેર થયેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, ફાઇઝર-બાયોએનટેક અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીથી ગંભીર બીમારીઓ સામે અને જે લોકો હજુ પણ સંક્રમિત થઇ રહ્યા છે તેમને મજબૂત રક્ષણ મળ્યું છે. જે લોકોએ ફાઇઝરની રસી લીધી છે તેમના વિશ્લેષણમાંથી સ્પષ્ટ સાબિતી મળી છે કે, રસીના કારણે બે તૃતિયાંશ સિમ્પ્ટોમેટિક અને એસિમ્પ્ટોમેટિક કેસીઝ બંધ થયા છે. એટલે તેનાથી અસરકારક રીતે સંક્રમણ ઓછું થયું છે. આ માહિતી જે જૂથે રસી લીધી છે અને આ જ જૂથના લોકો જેમણે રસી નથી તેમની સરખામણી કરીને લેવામાં આવી હતી. આ અભ્યાસમાં 23 હજાર હેલ્થકેર વર્કર્સને આવરી લેવામાં આવ્યા હતા, જેમણે ઇન્ફેક્શનની ચકાસણી માટે નિયમિત રસી લીધી છે.
સ્કોટિશ સંશોધકોના જણાવ્યા મુજબ, રસીનો પ્રથમ ડોઝ લીધાના એક મહિના પછી ફાઇઝર-બાયોએનટેક અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીથી કોવિડ-19 સાથે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા અનુક્રમે 85 ટકા અને 94 ટકા સુધી ઘટી છે. ચાર અઠવાડિયા પછી રસી લીધેલા 80થી વધુ વર્ષના લોકોનું હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 81 ટકા સુધી ઘટી ગયું હતું.
અગ્રણી સંશોધક અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગની અશર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પ્રાયમરી કેર રીસર્ચ અને ડેવલમેન્ટ પ્રોફેસર અઝિઝ શેખે જણાવ્યું હતું કે, આ પરિણામો અમારા માટે ખૂબ જ પ્રોત્સાહક છે અને તેનાથી અમને ભવિષ્યમાં આશાવાદી બનવા માટે પણ મોટો કારણો પણ મળ્યા છે. હવે અમારી પાસે દેશભરનો રાષ્ટ્રીય પૂરાવો છે, કે રસીકરણને કારણે કોવિડ-19 હોસ્પિટલાઇઝેશન્સ સામે રક્ષણ મળે છે.