ભારતમાં પહેલી વખત રેકોર્ડ સમાન 1.85 લાખથી પણ વધારે નવા કેસ નોંધાયા હતા અને 1,000થી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13 લાખને પાર કરી ગઈ હતી, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1,84,372 કેસ નોઁધાયા હતા અને તેનાથી કુલ કેસની સંખ્યા વધીને 1,38,73,825 થઈ હતી. નવા 1,027 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,72,085 થયો હતો.
એક્ટિવ કેસની સંખ્યા સતત 35માં દિવસે વધીને 13,65,704 થઈ હતી, જે કુલ કેસના 9.84 ટકા થાય છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 88.92 ટકા થયો હતો. દેશમાં અત્યાર સુધી 1,23,36,036 લોકો કોરોનાથી રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર 1.24 ટકા થયો હતો.
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ દેશમાં કોરોનાના 1.5 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં સંક્રમિતોનો આંકડો 1.38 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે 1,000થી પણ વધારે લોકોના મોત સાથે કુલ મૃતકઆંક 1,72,115 થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોના સંકટને કાબૂમાં લેવા માટે મહારાષ્ટ્રમાં ‘બ્રેક ધ ચેઈન’ અભિયાન અંતર્ગત 15 દિવસ સુધી કલમ 144 લાગુ રહેશે. આ દરમિયાન ફક્ત જરૂરી સેવા માટે જ ઘરેથી બહાર નીકળી શકાશે.