ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’નું શૂટિંગ હવે દમણમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નિર્ણાયકો શિલ્પા શેટ્ટી અને અનુરાગ બાસુ અંગત કારણોસર થોડા સમય માટે શોમાં જોવા નહીં મળે. તાજેતરમાં અઠવાડિયે રેમો ફર્નાન્ડિઝ અને ફરાહ ખાને તેમનું સ્થાન લીધું હતું અને મુંબઇથી શૂટિંગ કર્યુ હતું. હવે સ્થળ બદલાયું છે અને અનુરાગ બાસુ પણ જજ તરીકે પરત આવ્યા છે, પરંતુ શિલ્પા શેટ્ટીને શોમાં ફરીથી જોડાવામાં થોડો સમય લાગશે.
તેથી, શોના પ્રોડ્યુસર્સે શિલ્પાના સ્થાને મલાઇકા અરોરાને ગેસ્ટ જજ તરીકે બોલાવવાનું નક્કી કર્યુ છે. આ અંગે પ્રોડયુસર રણજીત ઠાકુરે કહ્યું હતું, ‘શિલ્પા શેટ્ટી કેટલાક અઠવાડિયા માટે શો જજ કરવા માટે ઉપલબ્ધ નથી. તેથી, અમે મલાઇકા અરોરાને તેમના સ્થાને લાવ્યા છીએ. આવનારા શોમાં ટેરેન્સ લૂઈસ પણ તેમની સાથે જોવા મળશે. દમણમાં શૂટિંગ કરવા અંગે રણજીતે કહ્યું કે, આખી ટીમ અહીં છે અને નિયમિત દરેકનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. અમે તમામ સાવચેતી પણ રાખીએ છીએ. જયારે જજ મુંબઇથી દમણ ટ્રાવેલિંગ કરે છે ત્યારે શૂટિંગ કરતાં પહેલા તેમનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. આ સમયમાં અમે ઓછા લોકો સાથે કામ કરીએ છીએ. સુપર ડાન્સર 4 એ ડાન્સ રિયાલિટી શો છે. જેમાં ભારતભરના ટેલેન્ડ બાળકો ભાગ લે છે.