FILE PHOTO: REUTERS/Benoit Tessier/Illustration/File Photo

ભારતીય રિઝર્વ બેન્કે 22 જુલાઈથી માસ્ટકાર્ડને ભારતમાં નવા ગ્રાહકોનો ઉમેરો ન કરવાનો બુધવારે આદેશ આપ્યો હતો. રિઝર્વ બેન્કના પગલાંને કારણે અમેરિકા સ્થિત આ પેમેન્ટ નેટવર્ક કંપની નવા પ્રિપેઇડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ જારી કરી શકશે નહીં. ભારતમાં ડેટા સ્ટોર કરવામાં કંપનીની નિષ્ફળતાને પગલે ભારતની મધ્યસ્થ બેન્કે આ મોટો નિર્ણય કર્યો છે.

રિઝર્વ બેન્કે જણાવ્યું હતું આ આદેશથી માસ્ટરકાર્ડના હાલના ગ્રાહકોને અસર થશે નહીં. ભારતમાં વિઝા પછી માસ્ટરકાર્ડ બીજા ક્રમની સૌથી મોટી ક્રેડિટ કાર્ટ ઇશ્યૂર કંપની છે. રિઝર્વ બેન્કના નિર્ણયથી વિદેશી સંબોધોને પણ અસર થવાની ધારણા છે. રિઝર્વ બેન્ક એપ્રિલ 2018થી ભારતીય ગ્રાહકોના ડેટા ભારતમાં સ્ટોર કરવાનો તમામ વિદેશી કંપનીઓને આદેશ આપેલો છે.

આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માસ્ટરકાર્ડના નિયમના પાલન માટે પૂરતો સમય અને તક આપવામાં આવી હતી. આમ છતાં પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજના આદેશનું પાલન કર્યું ન હતું.

ભારતમાં બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરે છે, પરંતુ નેટવર્કના ઉપયોગ માટે માસ્ટરકાર્ડ, વિઝા કે રુપે સાથે ભાગીદારી કરે છે. રિઝર્વ બેન્કે માસ્ટકાર્ડ પરના પ્રતિબંધની જાણકારી તમામ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને આપવાનો પણ આદેશ આપ્યો હતો.

માસ્ટરકાર્ડે જણાવ્યું હતું કે કંપની જે બજારોમાં બિઝનેસ કરે છે તે તમામ બજારમાં નિયમોનું પાલન કરે છે. અમને આરબીઆઇના 14 જુલાઈના આદેશથી નિરાશા મળી છે. અમે આ મુદ્દાના ઉકેલ માટે વધારાની માહિતી પૂરી પાડીશું.
કર્મચારીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત માસ્ટરકાર્ડ માટે બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે. કંપનીએ ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરેલું છે અને વધુ એક અબજના રોકાણની યોજના જાહેર કરી છે.

આ અગાઉ રિઝર્વ બૅન્કે અમેરિકન એક્સપ્રેસ બેન્ક અને ડિસકવર ફાઈનાન્શિયલ સર્વિસની ડિનર્સ ક્લબ ઇન્ટરનેશનલ સામે પણ આ જ કારણોસર પ્રતિબંધનાત્મક પગલાં લીધા હતા. આમ રિઝર્વ બેન્કના પ્રતિબંધનો સામનો કરનારી આ ત્રીજા વિદેશી કંપની છે.