પોર્ન ફિલ્મ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા ઇન્ડિયન બ્રિટિશ બિઝનેસમેન રાજ કુંદ્રાને ભારતની મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ બુધવારે ફટકો માર્યો હતો. ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં સેબીએ રાજ કુન્દ્રા અને તેની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીને રૂ.૩ લાખનો દંડ ફટકાર્યો છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, તેના પતિ રાજ કુંદ્રા અને તેમની કંપનીએ સ્ટોક એક્સચેન્જ સમક્ષ ફરજિયાત વિગતો જાહેર કરવામાં ત્રણ વર્ષનો વિલંબ કરવા બદલ આ કાર્યવાહી કરાઈ છે. વર્ષ ૨૦૧૫માં વિવાન ઈન્ડસ્ટ્રીઝે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રત્યેકને ૧,૨૮,૮૦૦ શૅર્સની ફાળવણી કરી હતી. સેબીના નિયમ મુજબ આ શૅર્સની ફાળવણીનું મૂલ્ય રૂ. ૧૦ લાખથી વધુ હોવાથી શૅર્સ મળ્યાના બે દિવસમાં બંનેએ કંપનીને તેની જાણ કરવી પડે છે. વધુમાં કંપનીએ સ્ટોક એક્સચેન્જને પણ તેની માહિતી આપવાની હોય છે. મે ૨૦૧૯માં આ વિગતો જાહેર કરાઈ હતી.
સેબીની કારણદર્શક નોટિસના જવાબમાં કુંદ્રા અને શેટ્ટીએ કહ્યું કે, તેમણે કોઈપણ બદઈરાદાપૂર્વકના કૃત્ય વિના અજાણતા પ્રોહિબિશન ઓફ ઈન્સાઈડર ટ્રેડિંગ (પીઆઈટી) નિયમ હેઠળ આ વિગતો જાહેર કરવામાં વિલંબ કર્યો હતો. જોકે, તેમનો ખુલાસો સેબીએ નકારી કાઢ્યો હતો.