– અમિત રોય દ્વારા
મેટ્રોપોલિટન પોલીસના મદદનીશ કમિશનર અને હેડ ઓફ સ્પેશ્યાલીસ્ટ ઓપરેશન્સ તરીકે કાર્યરત નીલ બાસુએ ‘ગરવી ગુજરાત’ સાથે અફઘાનિસ્તાન વિશે વાત કરી ઘેરી ચિંતા વ્યક્ત કરતાં આગાહી કરી છે કે “કદાચ આગામી બે વર્ષમાં જ દેશ ફરી એક વખત આતંકવાદની નિકાસ માટેનો અડ્ડો બની જશે. તાલિબાનની જીતથી પ્રેરિત વ્યક્તિઓ દ્વારા લોન વોલ્ફ હુમલાઓનો ભય છે.’’
નેશનલ લીડ ફોર કાઉન્ટર ટેરરીઝમ પોલીસીંગ ઇન યુકે નીલ બાસુએ જણાવ્યું હતું કે “હું વેસ્ટર્ન કે ગઠબંધન દળો ફરી ત્યાં લડવા માટે પાછા ફરે તેવી શક્યતાઓ જોતો નથી.
બાસુએ આંતરરાષ્ટ્રીય આતંકવાદના નિષ્ણાંત અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના વિદ્વાન ડૉ. સજ્જન ગોહેલ દ્વારા લખાયેલા અફઘાનિસ્તાન પરના અભ્યાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ‘’શ્રી ગોહેલનું વિશ્લેષણ અવિશ્વસનીય આંતરદૃષ્ટિપૂર્ણ છે. તેઓ તેની સમયરેખા વિશે વાત કરે છે અને અફઘાનિસ્તાન અનિવાર્યપણે એક બેઝ બની જશે જ્યાં પશ્ચિમી દેશો વિરુદ્ધ ફરી એક વખત આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી શકાય. હું કદાચ બે વર્ષની અંદર આવું થશે તેવી આગાહી કરૂ છું, અને તે થઇ શકે છે.”
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાએ યુકેની સુરક્ષાને કેવી રીતે અસર કરી હતી તે અંગે પૂછતાં બાસુએ જણાવ્યું હતું કે “મને લાગે છે કે તેની આગાહી કરવી અશક્ય છે. તમે ગમે તેટલા સારા બુદ્ધિશાળી વિશ્લેષક હો, તમે તેના લાંબા ગાળાના પરિણામો જાણી શકશો નહીં. પરંતુ ઇતિહાસમાંથી નહિં શીખતા સમાજનું આ ઉત્તમ ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે 20 વર્ષ પહેલા શું થયું હતું. નિષ્ફળ રાજ્યો સાથે શું થાય છે અને યુવા પેઢીમાં ઉગ્રવાદ અને કટ્ટરવાદ કઇ રીતે સર્જાય છે અને તે આતંકવાદનું સંવર્ધન સ્થળ છે. તેઓ આતંકવાદને તેમની સરહદમાં રાખવાને બદલે તેને વિસ્તૃત કરવા માંગે છે.
હવે આપણે આ બધી બાબતો જાણીએ છીએ. તો પછી તે કેમ સ્પષ્ટ નથી થતું કે આપણે બરાબર એ જ વસ્તુ જોવા જઈ રહ્યા છીએ? ”
તેમણે શ્રેષ્ઠ અને ખરાબ પરિસ્થિતિનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે “શ્રેષ્ઠ પરિસ્થિતિ અવાસ્તવિક છે. પરંતુ હું ખૂબ આશાવાદી હોઉં, તો કદાચ બની શકે કે તાલિબાન નિયંત્રિત સરકારમાં કેટલીક સત્તા વહેંચે, છેલ્લા 20 વર્ષની કેટલીક પ્રગતિને રહેવા દેવા સ્ત્રીઓ અને છોકરીઓનું શિક્ષણ, વાણી સ્વાતંત્ર્ય અને મુક્ત મીડિયાને જાળવી રાખે. જો કે હું માનતો નથી કે આમાંથી કોઈ પણ બનશે. કદાચ તેઓ ચીન, રશિયા અને પાકિસ્તાન સાથે ભાગીદારી કરે. તે દેશો રેશનલ એક્ટર્સ છે. તેઓ વિશ્વ યુદ્ધ બનાવવા માંગતા નથી. તેઓ ઉત્તર કોરિયા નથી. શ્રેષ્ઠ સ્થિતિ એ છે કે તેમાંના ચારમાં અસ્વસ્થ જોડાણ થાય અને વિશ્વના તે ભાગમાં સ્થિરતા અને શાંતિ જાળવી રાખે અને આતંકવાદની વધુ વ્યાપક નિકાસ ન કરે. શાંતિ જાળવવી તેમના હિતમાં છે કારણ કે અફઘાનિસ્તાન તેમની સરહદ પર છે.”
બાસુ આગળ કહે છે કે “સૌથી ખરાબ સ્થિતિ એ છે કે તે ભાંગી પડેલો દેશ છે, ગૃહ યુદ્ધથી અસરગ્રસ્ત છે, નોર્ધન એલાયન્સનો બીજો ભાગ છે અને સીરિયા જેવી બીજી હાલત છે. અને તેના પરિણામે વિશ્વભરમાં આતંકવાદનું વિસ્તરણ અને નિકાસ થશે. જો તાલિબાન તેના 1990ના સંસ્કરણ પર પાછો ફરશે તો તે એક નિરાશાજનક અને ભયાનક, મધ્યયુગીન શાસન હશે, સ્પષ્ટપણે આપણે તે સંજોગોમાં તેમને ઓળખવા જોઈએ નહીં”.
કેવી રીતે તાલિબાનનો કબજો આતંકવાદ તરફ વલણ ધરાવનારાઓને પ્રભાવિત કરી શકે છે તે અંગે બાસુએ જણાવ્યું કે “જ્યારે હું હોદ્દા પર હતો ત્યારે છ અઠવાડિયા પહેલાની મારી ચિંતા બદલાઈ નથી. આજે પણ વિશ્વભરમાં આતંકવાદની જે પ્રેરણા પ્રવર્તે છે તે મારી ચિંતા છે. જે વ્યક્તિઓ પહેલાથી જ રુબીકોન પાર કરી ચૂક્યા છે, તેમણે નક્કી કર્યું છે કે તેઓ અસરકારક રીતે હિંસક લોકો છે, જેઓ હિંસક કૃત્યો કરવા તૈયાર છે, તેઓ વ્યક્તિગત રીતે કાર્ય કરે છે, કારણ કે તેઓ જે બન્યું તેનાથી પ્રેરિત થયા છે. તાલિબાનની જીત જે લોકો અત્યાચાર કરવા માગે છે તેમના માટે એક વિશાળ પ્રેરણા અને આરામનો સ્ત્રોત છે.”
9/11 જેવા હુમલાના બદલે વ્યક્તિગત હુમલાઓ વિશે વધુ ચિંતિત બાસુએ જણાવ્યું હતું કે “મારી તાત્કાલિક ચિંતા જાતે હુમલો કરવાની પહેલ કરતા આતંકવાદીઓ છે, કારણ કે તેઓ હવે એકલા રહીને હુમલો કરનારા લોકોને પ્રેરશે. આ જોઈને બીજા કહેશે, કે ‘હા, હું તેને ટેકો આપવા માંગુ છું. તો ચાલો બીજી વખત કરીએ. મારા સાથીઓ તેમને જોઇ રહ્યા છે. પરંતુ મારી ચિંતા હંમેશા તે છે જે તમે જોઈ શકતા નથી.”
શ્રી નીલ બાસુએ જણાવ્યું હતું કે ‘’આવા હુમલા યુકેમાં થઈ શકે છે. પરંતુ મને લાગે છે કે ખાસ કરીને ફ્રાન્સ અને બેલ્જિયમ જેવા કેટલાક યુરોપિયન દેશોને ખૂબ જ ફટકો પડ્યો છે. યુરોપ વર્ષોથી નિર્દેશિત હુમલાને બદલે આ પ્રકારની પ્રેરણાથી થતા હુમલાથી પીડાય છે. તેમાં કોઈ શંકા નથી કે અફઘાનિસ્તાનમાં મૂળ લશ્કરી કાર્યવાહી અને, થોડી હદ સુધી, ઈરાકમાં – યુદ્ધની શરૂઆત વગેરેએ તેમના માટે ચોક્કસ ઓપરેશન હાથ ધરવા માટે સરહદો પાર કરવાની યોજના અને મુસાફરી કરવાની ક્ષમતાને દબાવી દીધી છે. પરંતુ આ દેશમાં 2017 માં જે બન્યું તે મોટા ભાગે જાતે લીધેલી પ્રેરણાના કારણે થયું હતું. જે હજૂ ચાલુ રહેશે.”
કોલેજ ઓફ પોલીસિંગમાં સૌથી વરિષ્ઠ રેન્ક માટે તેજસ્વી અને સૌથી પ્રતિભાશાળી અધિકારીઓને તૈયાર કરવા “સ્ટ્રેટેજિક કમાન્ડ કોર્સ”નું નેતૃત્વ કરવા માટે સેકન્ડમેન્ટ પર જનાર બાસુએ 5 જુલાઈએ તેમની નવી જવાબદારી સંભાળી હતી. જ્યાં તેઓ ફેબ્રુઆરી સુધી સેવા આપશે. ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ અથવા કમાન્ડર અથવા ઉપરના પદ પર જવા માંગતા લોકો માટે આ દેશનો નંબર વન પોલીસ લીડરશીપ કોર્સ છે. જેનો ઉદ્દેશ પ્રતિભાશાળી વરિષ્ઠ નેતા લાવવાનો છે.”
બાસુની કાઉન્ટર ટેરરિઝમ ડ્યુટી તેમના સહયોગી મેટ જ્યુક્સ નામના ખૂબ જ અનુભવી સહાયક કમિશનર સંભાળશે અને તેઓ જ આવનારા વર્ષોમાં અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે તેના પર નજર રાખશે.