ભારત અને યુએઇએ બુધવારે સર્વગ્રાહી આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) માટેની મંત્રણા શરૂ કરવાની જાહેરાત કરી હતી. યુએઇ હાલમાં ચીન અને અમેરિકા પછી ભારતનો ત્રીજા ક્રમનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે 43 બિલિયન ડોલરનો વેપાર થયો હોવાનો અંદાજ છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે નવી વ્યૂહાત્મક આર્થિક સમજૂતીથી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે 100 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર થવાની ધારણા છે. તેનાથી સર્વિસ ક્ષેત્રમાં બંને વચ્ચેનો વેપાર વધીને 15 બિલિયન ડોલર થવાની ધારણા છે.બંને દેશો વચ્ચે પ્રથમ રાઉન્ડની મંત્રણા ગુરુવારે અને શુક્રવારે થશે.
યુએઇના વિદેશ વેપારના જુનિયર પ્રધાન થાની બિન અહમેદ અલ ઝેયોદી સાથેની બેઠક બાદ ભારતના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે બંને પક્ષોએ આક્રમક અને મહત્ત્વકાંક્ષી સમયમર્યાદા નિર્ધારિત કરે છે અને ડિસેમ્બર 2021 સુધી મંત્રણા પૂરી કરવા માગે છે. અમને આશા છે કે આંતરિક કાનૂની પ્રક્રિયા અને બીજી જરૂરી પ્રક્રિયા બાદ અમે 2022ના પ્રારંભમાં સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે છે.
કોમર્સ પ્રધાને જણાવ્યું હતું કે બંને દેશો એવી પ્રોડક્ટ્સ પર ફોકસ કરશે જેની વેપાર પર વહેલી અસર થાય. ગોયલે જણાવ્યું હતું કે અમે નિર્ણય કર્યો છે કે ગૂડ્સ અને સર્વિસની બંને દેશો વચ્ચે સ્પર્ધાત્મક હોય તેવી આઇટમને સમજૂતીમાં પ્રધાન્ય આપવો.
ભારત વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધુ નિકાસ યુએઇમાં કરે છે. 2020-21માં ભારતે યુએઇમાં 17 બિલિયન ડોલરની નિકાસ કરી હતી. આ ઉપરાંત યુએઇ ભારતમાં આઠમાં ક્રમનો સૌથી મોટો રોકાણકાર દેશ છે. યુએઇએ એપ્રિલ 2000થી માર્ચ 2021 સુધી ભારતમાં 11 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. યુએઇમાં ભારતની કંપનીઓ દ્વારા આશરે 85 બિલિયન ડોલરનું રોકાણ થયેલું છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપરાંત ભારત જેમ્સ એન્ડ જ્વેલરી, ફૂડ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ગૂડ્સ અને મશીનરીનું યુએઇમાં નિકાસ કરે છે. વેપાર સમજૂતીથી ભારતના નિકાસકારોને વધુ તક મળવાની ધારણા છે.