. (PTI Photo))

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં માળખાગત સુવિધાના વિકાસ માટે રૂા.100 લાખ કરોડના ગતિ શક્તિ માસ્ટર પ્લાનનો પ્રારંભ કર્યો છે. પીએમ ગતિશક્તિ યોજનાનો હેતુ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવાનો, કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં વધારો કરવાનો અને ટર્નએરાઉન્ડ ટાઇમમાં ઘટાડો કરવાનો છે, એમ મોદીએ જણાવ્યું હતું.
આ યોજનાનો હેતુ એક પ્લેટફોર્મ હેઠળ તમામ સંબંધિત વિભાગોનું જોડાણ કરીને વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને વધુ તાકાત અને ઝડપ આપવાનો છે. વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારોની ઇન્ફ્રા સ્કીમનું ડિઝાઇનિંગ અને અમલીકરણ કોમન વિઝન સાથે કરવામાં આવશે.

મોદીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં વિકાસના કામો તરફ સુસ્ત અભિગમ અપનાવીને કરદાતા નાણાનું અપમાન કરવામાં આવતું હતું. વિવિધ વિભાગો એક સ્વતંત્ર રીતે કામ કરતાં અને પ્રોજેક્ટ્સ અંગે કોઇ સંકલન ન હતું.

આ યોજનાના ભાગરૂપે 16 મિનિસ્ટ્રીનુ એક ગ્રૂપ બનાવવામાં આવ્યુ છે. જેમાં રેલવે, સડક પરિવહન, જહાજ, આઈટી, ટેક્સટાઈલ પેટ્રોલિયમ, ઉર્જા, નાગરિક ઉડ્ડયન જેવા મંત્રાલયો સામેલ છે. આ મંત્રાલયો હેઠળ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અથવા તો જે પ્રોજેક્ટને 2025 સુધીમાં પૂરા કરવાના છે તેમને હવે ગતિ શક્તિ યોજના હેઠળ મુકવામાં આવ્યા છે.
મોદીએ જણાવ્યું હતું ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ જીડીપીના 13 ટકા છે, જે ઘણો ઊંચો છે અને તેનાથી નિકાસમાં ભારતની સ્પર્ધાત્મકતાને અસર થાય છે. પીએમ ગતિ શક્તિનો હેતુ લોજિસ્ટિક્સ ખર્ચ અને ટર્નએરાઉન્ડ સમયમાં ઘટાડો કરવાનો છે તેનાથી ઇન્વેસ્ટિમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ભારતની ઇમેજને વેગ મળશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકાર હેઠળ ભારતની ગતિ અને વ્યાપ જોવા મળી રહ્યો છે તેવું સ્વતંત્રતાના 70 વર્ષમાં જોવા મળ્યું નથી. આ અંગેના ઉદાહરણ આપતા મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રથમ આંતરરાજ્ય કુદરતી ગેસ પાઇપલાઇન વર્ષ 1987માં શરૂ કરવામાં આવી હતી. આ પછી, વર્ષ 2014 સુધી, એટલે કે, 27 વર્ષમાં દેશમાં 15,000 કિ.મી. નેચરલ ગેસ પાઇપલાઇન બની. આજે દેશભરમાં 16,000 કિ.મી.થી પણ વધુ ગેસ પાઇપલાઇન પર કામ ચાલી રહ્યું છે. આ કામો આગામી 5-6 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

2014માં ભાજપની સરકાર સત્તા પર આવી તે પહેલા 5 વર્ષમાં માત્ર 1900 કિમી રેલવે લાઈન ડબલ થઈ રહી હતી. છેલ્લા 7 વર્ષમાં, અમે 9 હજાર કિલોમીટરથી વધુ રેલવે લાઈનો બમણી કરી છે.2014 પહેલાના 5 વર્ષમાં માત્ર 3000 કિમી રેલવેનું વીજળીકરણ થયું હતું. છેલ્લા 7 વર્ષમાં અમે 24 હજાર કિલોમીટરથી વધુ રેલવે ટ્રેકનું વીજળીકરણ કર્યું છે.

2014 પહેલા મેટ્રો માત્ર 250 કિલોમીટરના ટ્રેક પર ચાલતી હતી. આજે મેટ્રોનું વિસ્તરણ 700 કિમી સુધી કરવામાં આવ્યું છે અને એક હજાર કિલોમીટર નવા મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે. 2014 પહેલાના પાંચ વર્ષમાં માત્ર 60 પંચાયતો ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડાઈ શકી હતી. છેલ્લા 7 વર્ષમાં અમે 1.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડી છે.