પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં આવેલી GIDCની એક કંપનીમાં સોમવારે વહેલી સવારે આગ ફાટી નીકળતા કંપનીના બે કર્મચારીઓના મોત થયા હતા. આ ઘટનાને પગલે 125 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ કેટલાક કર્મચારીઓએ જીવ બચાવવા માટે પાંચમાં માળેથી કુદકો પણ માર્યો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી છે.
સવારે આશરે 4.30ની આસપાસ કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં ભોયરામાં આગ લાગતાં બે કામદારના મોત થયા છે. જ્યારે ફાયર વિભાગે 100થી વધુ કામદારોનું રેસ્ક્યુ કર્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટનાને પગલે 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી હતી.