ભારત અને ચીન વચ્ચે ૧૯૬૨માં યુધ્ધ થયું જેમાં ભારતીય સેનાએ પીછેહટ કરવી પડી હતી. જવાનોએ બહાદૂરી બતાવી પરંતુ ભારત સરકારની અધૂરી તૈયારીઓ અને ચીન પરનો અતિ ભરોસો યુધ્ધમાં ભારે પડયો હતો. ચીન સામે બહાદૂરીથી લડેલા જવાનો માટે સંગીતકાર સી રામચંદ્રના સંગીત નિર્દેશનમાં કવી પ્રદિપે લખેલા એ મેરે વતન કે લોગો.. ગીતને લતા મંગેશકરે ગાઇને દેશવાસીઓની સંવેદનાને ઢંઢોળી હતી. આ એક બિન ફિલ્મી ગીત હતું જે એક સંગીત કાર્યક્રમમાં રજૂ થયું હતું.
દિલ્હીમાં ગણતંત્ર દિવસે રામલીલા મેદાનમાં લતા મંગેશકરનું આ ગીત સાંભળીને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રડી પડયા હતા. આ ગીત આજે પણ સર્વશ્રેષ્ઠ દેશ ભકિત ગીતમાં ગણાય છે. જે પણ શાંત ચિત્તે સાંભળે છે તેનું મન દેશભકિતથી ભરાઇ જાય છે. ગીતના શબ્દોમાં લતા મંગેશકરના અવાજની કરુણાસભર મીઠાશ અને સી રામચંદ્રના સંગીતની કમાલને વિવેચકોએ ખૂબ વખાણી છે.
લતા મંગેશકરે આ ગીત ગાવાની એક પણ રુપિયો ફી લીધી ન હતી. કવી પ્રદિપને આટલું સરસ ગીત સર્જવા બદલ લતાજીએ 1967માં પોતાના વ્યકિતગત એકાઉન્ટમાંથી 1 લાખ રુપિયા આપ્યા હતા. દેશભક્તિની ભાવના જાગૃત કરતા અમર ગીત એ મેરે વતન કે લોગો…ના સર્જક કવિ પ્રદીપનો રવિવારે જન્મદિન હતો અને આ ગીતને કંઠ આપી સહુના હૃદયમાં ગુંજતુ કરનારા લતા મંગેશકરનો વિદાય દિન એ કેવો સંયોગ કહેવાય ?
કવિ પ્રદીપજીના પુત્રી મિતુલ પ્રદીપે આ સંયોગ વિશે જણાવ્યું હતું કે મારા સ્વર્ગસ્થ પિતા અને લતા મંગેશકરને એકબીજા પ્રત્યે આદરની લાગણી હતી. કેવો યોગાનુયોગ કહેવાય ? કે પિતાજીની જન્મતિથિએ લતાજીએ દુનિયાથી વિદાય લીધી. મિતુલ પ્રદીપે કહ્યું હતું કે લતાજી છેલ્લે ૧૯૯૭માં વિલેપાર્લેના અમારા ઘરે પ્રદીપજીને મળવા આવ્યા હતા. લતાજી ઘરમાં દાખલ થયા ત્યારે પિતાજીએ મને કહ્યું કે ‘બેટી ઇનકે પૈર છૂઓ, હમારે ઘર સાક્ષાત સરસ્વતી કા આગમન હુઆ હૈ’ આ સાંભળી લતાજીએ પિતાજીને કહ્યું કે ‘આપ પે ભી મા સરસ્વતી કી અપાર કૃપા હૈ…’ લતાજીની આ છેલ્લી મુલાકાત બાદ ૧૯૯૮મા કવિ પ્રદીપજીનું નિધન થયું હતું.













