વ્હિસલબ્લોઇંગ માટે કાઢી મૂકવામાં આવેલા નોર્થ વેસ્ટ લંડનના બાર્નેટના પૂર્વ લીટર એન્ફોર્સમેન્ટ વર્કરે પોતાના ભૂતપૂર્વ એમ્પ્લોયર કિંગ્ડમ સર્વિસીસ પર વંશીય લઘુમતીઓને દંડ કરી નિશાન બનાવવાનું કથિત રૂપે કહેવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. 2019 માં કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે એકલા બાર્નેટ કાઉન્સિલ વિસ્તારમાંથી જ માત્ર આઠ મહિનામાં કિંગડમે £1.4 મિલીયનનો દંડ એકત્ર કર્યો હતો.
39 વર્ષના ગેરી ફોરેસ્ટરે એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે ‘’વંશીય લઘુમતીના લોકો દંડને પડકારે તેવી શક્યતા ન હોવાથી અને યુકેના કાયદાને સમજવા માટે ઓછું વલણ ધરાવતા હોવાથી વંશીય લઘુમતીઓની પાછળ જવાનું કિંગડમ સર્વિસીસ ગ્રુપ દ્વારા સ્ટાફને કહેવામાં આવ્યું હતું.’’
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ‘’કિંગડમ સ્ટાફ જો પર્યાપ્ત ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ (FPN) જારી ન કરે તો તેમને નોકરીમાંથી કાઢી નાખવાની ‘દૈનિક ધમકી’ આપવામાં આવતી હતી. મને તે પ્રથાઓ વિશે બોલવા બદલ અયોગ્ય રીતે બરતરફ કરવામાં આવ્યો હતો. બાર્નેટ કાઉન્સિલની વેસ્ટ ડિસ્પોઝલ ટીમ – સ્ટ્રીટ સીન – હંમેશા સમયપત્રક અનુસાર કચરો ઉપાડતી ન હતી, જેના કારણે બિઝનેસીસ અને રહેવાસીઓ કિંગડમ સઇર્વિસીસ પાસેથી દંડની નોટીસ FPN મેળવતા હતા.’’
લંડન બરો ઓફ બાર્નેટમાં કામ કરતા ભૂતપૂર્વ ટીમ મેનેજરે સાક્ષી તરીકે નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’સ્ટાફ કાયદેસર કારણોસર વધુ લીટરીંગ અને ફ્લાય-ટીપિંગ માટેનો દંડ જારી કરી શક્યો ન હતો તેથી બોસે ‘નિરાશ અને ગુસ્સે’ થયા પછી આ આદેશ જારી કર્યો હતો.’’
કિંગડમ સર્વિસીસે વંશીય લઘુમતીઓને નિશાન બનાવવાનો ઇનકાર કરી મિસ્ટર ફોરેસ્ટર વ્હિસલબ્લોઅર હોવાના દાવાને વિવાદિત કરતાં જણાવ્યું હતું કે ‘’તેમણે કરેલા ‘પ્રોટેક્ટેડ ડિસ્ક્લોઝર’ તેમની સામે કરવામાં આવેલી શિસ્તભંગની પ્રક્રિયાને રોકવાના પ્રયાસો હતા.’’
મિ. ફોરેસ્ટરે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે તેમની ટીમને રહેવાસીઓ તરફથી ડઝનેક ફરિયાદો મળી હતી જે તેમણે બાર્નેટ કાઉન્સિલના કોન્ટ્રાક્ટ મેનેજર અને તેમના પોતાના મેનેજરને જણાવી હતી. પરંતુ અમે તે જોઇ લઇશું તેમ કહેવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે કિંગડમે સ્ટાફના વોટ્સએપ જૂથમાં જાતિવાદી અને ટ્રાન્સફોબિક પોસ્ટના આરોપોનો ઉપયોગ તેને કાઢી નાખવા માટે કર્યો હતો.
બાર્નેટ કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું: ‘’અમે આરોપોથી વાકેફ છીએ અને અમારી કોર્પોરેટ એન્ટી-ફ્રોડ ટીમ દ્વારા આની તપાસ થઈ ચૂકી છે. જોકે, કેટલીક નવી માહિતી વિશે અમને જાણ કરવામાં આવી છે. જેની અમે તપાસ કરીશું. આ સમયે વધુ ટિપ્પણી કરી શકતા નથી.’’
2019માં, ભૂતપૂર્વ કિંગડમ લીટર એન્ફોર્સમેન્ટ ઓફિસર શોન ફિન્ચે આક્ષેપ કર્યો હતો કે પેઢી કર્મચારીઓને વધુ આવક પેદા કરવા માટે ‘અયોગ્ય યુક્તિઓ’નો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે, જેમાં લોકોનો પીછો કરવો, કારમાં છૂપાઇને જોવું, અને ગુનો થયો હોવાનો દાવો કરતા પહેલા પોતાના બોડી-કેમેરા દૂર કરવા વગેરે.’’